હત્યાની કોશિષનાં ગુનામાં પકડાયેલ આસિફે સાચવવા આપ્યા હતા
હથિયાર સગે વગે કરે તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે દેશી પિસ્તોલ અને બાર બોરના જોટા સાથે એક શખ્સને દબોચી લીધો છે આ હથિયાર હત્યાની કોશિષના ગુનામાં તાલુકા પોલીસમાં રિમાન્ડ પર રહેલા શખ્સે સાચવવા આપ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા આપેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઈ સી.બી.જાડેજા તથા ટીમ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન હેડ કોન્સ. દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા તથા કનકસિંહ સોલંકીને બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષના ગુન્હામાં પકડાયેલ બરકતીનગરનો આરોપી આશિફ હસનઅલી શેખએ પોતાના કબ્જામાં એક દેશી બનાવટની 32 બોરની પીસ્તોલ, એક બાર બોરનો દેશી બનાવટનો જોટો તથા બાર બોરના 4 જીવતા કાર્ટીસ બરકતીનગરમાં જ રહેતા તેના મિત્ર સરફરાજ શબ્દરભાઇ પઠાણ ઉ.23ને સાચવવા માટે આપ્યા હતા અને તાલુકા પોલીસના ગુનામાં આરોપી આસીફ હસનઅલી શેખને તાલુકા પોલીસે પકડી લઇ રિમાન્ડ પર લીધો હતો જેથી આસિફ હથીયાર બાબતે નામ આપી દેશે તેમ બીક લાગતા સરફરાજ પઠાણ હથિયાર સગેવગે કરવા જાય છે આ બાતમી પરથી વોચ ગોઠવી હથિયારો, કારટીસ સાથે દબોચી લીધો હતો.
તાલુકા પોલીસ મથકના હત્યાના પ્રયાસના ગુનામાં આશિફ ફરાર થઈ ગયો હતો.
પોલીસ તેને શોધતી હતી ત્યારે તેણે આ હથિયારો સાચવવા આપ્યા હતા ક્રાઈમ બ્રાન્ચે બંને હથિયારો સહિત કુલ 15, 400નો મુદામાલ કબ્જે કર્યો છે રિમાન્ડ પર રહેલા આશિફનો પણ હથિયારના ગુનામાં ક્રાઈમ બ્રાંચે કબજો લેશે.



