અશ્વિન ચંદારાણા
વાત 1898ના અરસાની છે. એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાંની.
- Advertisement -
અમેરિકાના કોલોરાડો રાજ્યનો નેડ નામનો એક યુવક કોલેજના ત્રીજા વર્ષમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરે છે. એ સમયે સ્પેન અને અમેરિકા વચ્ચે ફિલિપાઇન્સમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હોવાને કારણે આ અભ્યાસ તેણે અધૂરો છોડવો પડે છે. ફિલિપાઇન્સના યુદ્ધમોરચે એ સમયે 75000 અમેરિકન સૈનિકોને મોકલવામાં આવેલા, જેમાંનો એક આ કથાનો નાયક નેડ પણ હતો.
યુદ્ધ દરમ્યાન નેડ ફિલિપાઇન્સમાં ચાર વર્ષ રોકાય છે, તે દરમ્યાન સૈનિક તરીકે તેને ફિલિપાઇન્સનાં જુદા-જુદા લોકોનાં ઘરોમાં, તેમની સાથે જ રહેવાની સગવડ મળતી રહે છે. છેલ્લે થોડા મહિના માટે તેને એક નોલેસ્કો કુટુંબના ઘરમાં ઉતારો આપવામાં આવેલો.
યુદ્ધના મેદાનમાં હુમલાથી બચવા જતાં સૈનિક નેડ અકસ્માતે એક દિવસ એક એકાકી મકાનમાં સંતાઈ જાય છે, ત્યારે એ મકાન રક્તપિત્તના દર્દીઓનું દવાખાનું છે એમ કહીને તેના સાથીદારો તેને બહાર કાઢે છે. આ એક નાનકડી ઘટના આપણને આ રોગ વિશે, અને લોકો આ ચેપી રોગના દવાખાનાથી પણ કેટલાં ચેતીને ચાલતાં હતાં એ વિશે કેટલું બધું કહી જાય છે. ચેપી રોગોના ફેલાવાનો ઇતિહાસ કંઈ આજકાલનો નથી!
- Advertisement -
નોલેસ્કો કુટુંબની સાથે ગાળેલા દિવસો દરમિયાન તેમની કેરિટા નામની સુંદર પુત્રી નેડને ગમી જાય છે. બંને વચ્ચે મીઠા સંબંધો બંધાય છે, એટલે જો તક મળે તો કેરિટા સાથે લગ્ન કરીને તે ફિલિપાઇન્સમાં જ સ્થાયી થવાનું નેડ વિચારે છે. પરંતુ યુદ્ધમાંથી અચાનક તેને પાછો અમેરિકા મોકલવામાં આવે છે. છૂટાં પડતાં પહેલાં નેડ અને કેરિટા એકબીજાંની ભાષા શીખી લે છે, અને પત્રો દ્વારા એકબીજાંના સંપર્કમાં રહેવાનું નક્કી કરે છે.
અમેરિકા પહોંચ્યા પછી નેડ કેરિટાને પત્રો લખે છે, પરંતુ કેરિટા તરફથી નેડને કોઈ પ્રત્યુત્તર મળતો નથી. નેડના યુદ્ધમાંથી પરત આવ્યા પછી એ જ યુદ્ધમાં લડવા ગયેલા નેડના નાના ભાઈના પત્ર દ્વારા તેને એટલા સમાચાર મળે છે કે કેરિટાના નાના ભાઈ સાંચોને રક્તપિત્ત થયો હતો. કેરિટા તરફથી પ્રત્યુત્તર ન મળવાનું કારણ સમજાઈ જવાને કારણે નેડ તેને ભૂલીને, અભ્યાસનો સમય ચાલ્યો ગયો હોવાને કારણે પોતાના કૌટુંબિક વ્યવસાય ખેતી તરફ વળે છે.
રક્તપિત્ત એ સમયે લાઇલાજ રોગ ગણાતો હતો. આખા અમેરિકામાં બહુ જૂજ સ્થળોએ તેની સારવાર કરવામાં આવતી હતી. સારવાર તો ઠીક, આ જૂજ સ્થળોએ દવાખાનાના નામે રક્તપિત્ત પર સંશોધન જ ચાલતાં હતાં. કોઈને ચોક્કસ ખબર ન હતી કે રક્તપિત્ત શાને કારણે ફેલાય છે. એ રોગ ચેપી છે એટલી જ બધાંને ખબર હતી, અને એટલે જ રક્તપિત્તના દર્દીને હડધૂત કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા હતા. છેક બાઈબલમાં પણ આ રોગનો ઉલ્લેખ છે, અને ‘બેનહર’ નામની નવલકથા કે ફિલ્મ સાથે પરિચિત બધાં જ આ રક્તપિત્તના દર્દીઓની એ સમયે જે હાલત થતી હતી, તેનાથી પરિચિત જ છે!
પોતાનાં કુટુંબ સાથે જીવન જીવતા નેડનો પરિચય જેન નામની એક યુવતીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરવાનું નક્કી કરે છે. એ જ અરસામાં નેડના ખેતરમાં એક વખત અકસ્માતે આગ લાગે છે. પોતાના કિંમતી ઘોડાને બચાવવા જતાં નેડ વાંસામાં ખૂબ દાઝી જાય છે, પરંતુ તેને કોઈ પીડા નથી થતી, એટલે ડોક્ટરને અને નેડને પણ વહેમ પડે છે
સ્થાનિક ડોક્ટર નેડને તપાસ માટે પહેલાં સેંટ લુઇસ, અને ત્યાંથી ન્યૂયોર્ક મોકલી આપે છે. બાયોપ્સિ તપાસ કરતી વેળાએ ડોક્ટર સાથે થયેલી વાતચીતમાં ફિલિપાઇન્સનો ઉલ્લેખ થાય છે. ફિલિપાઇન્સમાં ફેલાયેલા રોગોથી અવગત ડોક્ટરને ખાતરી થઈ જાય છે, કે નેડને રક્તપિત્ત જ થયો છે.
ન્યૂયોર્કમાં નોંધાયેલો રક્તપિત્તનો આ સૌથી પહેલો કેસ હતો. કોઈ ચોક્કસ ઇલાજ ન હોવાથી, કુટુંબીઓને પણ આ રોગનો ચેપ ન લાગે એટલા ખાતર ડોક્ટર નેડને પોતાને ઘેર પાછા ફરવાને બદલે રક્તપિત્તની કોઈ વસાહતમાં ચાલ્યા જવાની સલાહ આપે છે.
એ સમયે અમેરિકાની રક્તપિત્તની એક માત્ર વસાહત લ્યુસિઆના રાજ્યમાં જ હતી. એ વસાહત નેડના ગામથી નજીક હોવાને કારણે પોતાના કુટુંબીઓને આ રોગથી દૂર રાખવાના ઇરાદે નેડ ત્યાં જવાનું નકારીને 12000 કિલોમિટર દૂર ક્યૂલિયન નામના ટાપુ પર આવેલી રક્તપિત્તના દર્દીઓની વસાહતમાં ચાલ્યા જવાનું સ્વીકારે છે.
આ ક્યૂલિયન ટાપુ એ જ ફિલિપાઇન્સમાં આવેલો હતો, જ્યાંથી નેડને રક્તપિત્ત લાગુ પડેલો!
અહીં આ પુસ્તકનો પહેલો માઇલસ્ટોન કહી શકાય એવો વળાંક છે. ડોક્ટર ન્યૂયોર્કમાં જ એક એકાકી સ્થળે અવાવરુ ઝૂંપડીમાં નેડના રહેવાની કામચલાઉ સગવડ કરી આપે છે. એક પત્ર લખીને નેડ પોતાના નાના ભાઈને ન્યુયોર્કમાં બોલાવે છે. આ પત્રનાં ચાર પૃષ્ઠ વાંચન માટે કદાચ આ આખાયે પુસ્તકના સૌથી અઘરાં પૃષ્ઠો બની રહે તેમ છે. પત્ર છે એટલે ભાષા તો સાવ સરળ છે, પણ એમાં વ્યક્ત થયેલી વાતોને જગતની કોઈ પણ ભાષામાં અનુદિત કરવી અઘરી છે. ફરી-ફરીને વાંચીએ તો પણ એ પત્રનાં પાનાં વાંચતી વેળાએ આંખો ભીની થયા વગર રહે નહીં.
રડી ન શકાતું હોય, અને રડવું જ હોય, એ સમયે આ પત્ર વાંચવા જેવો છે.
ફિલિપાઇન્સમાં ચાલતી લડતી વખતે, બહાર ખેતરોમાં કામ કરતા રક્તપિત્તના દર્દીઓને પણ ગોળીઓનો ડર લાગતો હતો એ જોઈને નેડને એ સમયે એવો વિચાર આવી ગયેલો, કે પોતાને જો રક્તપિત્ત થાય તો પોતે જાતે જ ગોળી મારીને મોતને વહાલું કરે. પણ રક્તપિત્ત થયાનું જાણ્યા પછી પણ તેની જિજીવિષા જુઓ, કે ટોમના ‘તું આત્મહત્યા તો નહીં કરે ને?’ એવા પ્રશ્નનો જવાબ એ પત્રમાં મક્કમતાપૂર્વક આપે છે, કે ‘હું વચન તો નથી આપી શકતો, પણ વિશ્વાસ રાખજે, કે એ રસ્તે ન જવું પડે એ માટે મેં અથાગ પ્રયત્નો કર્યા છે.’
નેડનો નાનો ભાઈ ટોમ નેડને મળવા આવે છે, ત્યારે નેડ તેની સાથે તેમની કાર મગાવે છે. બંને ભાઈઓ સાથે મળીને અકસ્માતે નદીમાં કાર પડી જવાથી નેડનું મૃત્યુ થયાની વાત ફેલાવે છે, જેથી ઘરના બીજા લોકો તેને રક્તપિત્તનો દર્દી માનીને તેની પાછળ દુ:ખી ન થાય. આખા ઘરમાં એક માત્ર નેડનો નાનો ભાઈ જ રક્તપિત્તની આ વાત જાણે છે. નેડની વાગ્દત્તા જેનને પણ આ વાતની સાચી ખબર આપવામાં નથી આવતી. નેડ અકસ્માતે મૃત્યુ પામ્યો હોવાની વાત સ્વીકારીને તે પણ કોઈ મિશનરી સંસ્થામાં બાળકોને ભણાવવા લાગી જાય છે, પરંતુ બીજા કોઈ સાથે લગ્ન નથી કરતી.
ન્યૂયોર્કથી રેલવેના કોલસાના ડબ્બામાં બેસીને નેડ સાનફ્રાંસિસ્કો પહોંચે છે. ત્યાંથી એક યુદ્ધ-જહાજની બંધ કેબિનમાં એક મહિનો વિતાવીને ફિલિપાઇન્સના મનિલા બંદરે ઊતરે છે. પંદર વર્ષ પહેલાં જે સ્થળેથી નેડ અમેરિકા જવા રવાના થયેલો, એ જ સ્થળે નેડ ફરી એક વખત ઊતરે છે, પરંતુ એક જાંબાઝ સૈનિક તરીકે નહીં, પરંતુ એક નિરાશ, નિ:સહાય એવા રક્તપિત્તના દર્દી તરીકે!
મનિલાથી સૌથી પહેલાં તેને પ્રાથમિક ચકાસણી માટે એક દવાખાનામાં લઈ જવામાં આવે છે. આ દવાખાનું જોતાં જ તેને યાદ આવે છે, કે આ એ જ મકાન હતું, જ્યાં વર્ષો પહેલાં સંતાવા માટે અકસ્માતે પહોંચી ગયો હતો! આ એ જ મકાન હતું, જ્યાંથી તેને રક્તપિત્તનો ચેપ લાગ્યો હોવાની સંભાવના હતી. જ્યાંથી રક્તપિત્ત લાગ્યો હોવાની સંભાવના હતી એ જ સ્થળેથી તેની રક્તપિત્તની સારવાર શરૂ થાય છે. જીવનના આ વ્યથાભર્યા વળાંકનું એક ચક્ર જ્યાંથી શરૂ થયેલું ત્યાં ન આવીને ઊભું રહે છે!
અહીં આ કથાનો એક અન્ય હૃદયસ્પર્શી વળાંક આવે છે.
મનિલાના બંદરથી ક્યૂલિયન ટાપુ જવા માટે જે દર્દીઓ રવાના થઈ રહ્યાં હતાં, તેમને જહાજ ઊપડતી વેળાએ વળાવવા આવેલાં દર્દીઓનાં સગાં રોકકળ કરી મૂકે છે. કોઈનાં મા-બાપ, કોઈનાં ભાઈ-બહેન, તો કોઈનાં જીવનસાથી જહાજ ચાલુ થતાં જ દર્દીઓનાં કેટલાંક સગાં જહાજની પાછળ જવા માટે છલાંગ મારીને પાણીમાં કૂદી પડે છે, તો સામે જહાજમાંથી કેટલાંક દર્દી પણ કૂદી પડે છે કેવું વેદનાભર્યું દૃશ્ય હશે એ! વિદાય લઈ રહેલાં અને વિદાય દઈ રહેલાં બધાં જ જાણતાં હોય, કે જીવનમાં હવે કદી-ક્યારેય મળવાનું નથી, ત્યારે વિદાય કેવી હૃદયદ્રાવક બની રહે!
પણ ક્યૂલિયન ટાપુ પરના સારવારકેંદ્ર પર પહોંચ્યાની સૌથી પહેલી રાતે જ એક એવો પ્રસંગ ઊભો થાય છે, જેને કારણે નિરાશ, નિ:સહાય, યુવાન નેડનું એક આશાભર્યા, માયાળુ અને પુખ્ત પુરુષમાં રૂપાંતર થઈ જાય છે.
છેલ્લા એક વર્ષની સારવાર દરમ્યાન તો નેડે કોઈ બીજા માણસને સ્પર્શ સુદ્ધાં કર્યો ન હતો! પણ અહીં આ ટાપુ પર છૂટથી હરી-ફરી શકાતું હતું, બીજાંને મળી શકાતું હતું, કારણકે તેના રક્તપિત્તનો ચેપ હવે કોઈને લાગવાનો ન હતો, કારણકે અહીં બધાં રક્તપિત્તનાં જ દર્દી હતાં.
પહેલી રાતે નેડ એક મોટા કમરામાં એક પલંગમાં એ સૂતો હતો. કમરામાં અન્ય દર્દીઓ પણ સૂતા હતા. અડધી રાતે તેને લાગ્યું, કે દૂર એક પલંગ પર કોઈ રડી રહ્યું હતું. ઊભો થઈને તે એ પલંગ પાસે જઈને જોયું, તો એક દસેક વર્ષનો બાળક રડી રહ્યો હતો. રડવાનું કારણ પૂછતાં એ બાળકે કહ્યું કે તેને પોતાનું ઘર યાદ આવ્યું હતું, મા-બાપ-ભાઈ-બહેન યાદ આવ્યાં હતાં. અત્યંત ગરીબ હોવાને કારણે ગામડેથી મનિલા બંદરે તેને કોઈ મૂકવા પણ આવ્યું ન હતું.
આવનારાં અનેક વર્ષો માટેની યુવાન નેડના જીવનની દિશા અહીં નક્કી થઈ જાય છે. પોતાનો મચ્છરદાનીવાળો પલંગ છોડીને નેડ પેલા બાળકના પલંગમાં, તેની સાથે, તેને વળગીને સૂઈ જાય છે. રડવાનું છોડીને એ બાળક પણ નેડની છાતીએ વળગીને ઘસઘસાટ ઊંઘી જાય છે. કેવું ભીનું-ભીનું દૃશ્ય હશે એ!
બીજી સવારે, તેને આમ વળગીને સૂતેલો જોઈને અન્ય દર્દીઓના મનમાં નેડને માટે એક અલગ જ, ઊંચું સ્થાન બની જાય છે. એ લોકો કહે છે, કે અમે તો આટલા જૂના છીએ. નવા આવેલા એક બાળક માટે આ તો અમારે કરવું જોઈતું હતું!
આ બાબતે આખા ટાપુનું બદલાઈ ગયેલું વાતાવરણ અને નેડ પ્રત્યેનો લોકોનો અભિગમ, નેડ માટે એક તદ્દન નવી જ ભૂમિકા તૈયાર કરી આપે છે, જેના સહારે નેડ પોતાના જીવનનાં આવનારાં પચ્ચીસ વર્ષ કાઢવાનો છે.
આ પચ્ચીસ વર્ષની વાતો કરવામાં તો કલાકોના કલાકો નીકળી શકે તેમ છે, પરંતુ એકાદ બે વાતોનો ઉલ્લેખ કરીને નિરાશ નેડના જીવનમાં આવેલા ઉત્સાહના સંચારને સમજી શકાશે.
ટાપુ પર વસતા દર્દીઓ અને તેમની સારવાર માટે ત્યાં વસતા મેડિકલ સ્ટાફનું મુખ્ય ભોજન માછલી હતું, જે એ સમયે અમેરિકાથી આયાત કરવામાં આવતી હતી. દરિયા કિનારે જ વસતાં લોકો માછલી માટે 12000 કિલોમિટર દૂર આવેલા અમેરિકા પર આધારિત રહે એ જોઈને નેડને નવાઈ લાગી. શારીરિક રીતે થોડા પણ સક્ષમ હોય એવા લોકોને તૈયાર કરીને તેણે ક્યૂલિયનના સમુદ્ર કિનારેથી જ નાના પાયે માછલી પકડવાનું શરૂ કર્યું, જે આગળ જતાં મોટા પાયાની, અને દર્દીઓ દ્વારા ચાલતી જગતની કદાચ પહેલી સહકારી સંસ્થા બની રહ્યું. આ કામમાં તેને અનેક અડચણો નડી. અનેક વાર કામદાર દર્દીઓની મહેનત અને તેમને મળતાં મહેનતાણાં વિશેના નાના-મોટા મામલા હલ કરવાના આવતા, પરંતુ આ બધા પ્રશ્નોનું નિરાકરણ પણ તે લાવી દેતો.
આવું જ એક બીજું ભગીરથ કાર્ય તેણે ઉપાડ્યું. કેટલાંયે વર્ષોથી રક્તપિત્તના દર્દીઓની સેવામાં કાર્યરત આ ટાપુ પર વીજળીની કોઈ વ્યવસ્થા ન હતી. રાત પડે, એટલે આખો ટાપુ અંધારિયો ઓરડો! દર્દીઓની વસાહત હોય, દવાખાનું હોય કે સ્ટાફ-ડોક્ટરોનાં આવાસો હોય, ક્યાંય પણ વીજળી ઉપલબ્ધ ન હતી!
અમેરિકામાં પોતાના ગામમાં ખેતી દરમ્યાન થયેલા પોતાના નાના-મોટા અનુભવોના આધારે નેડે અમેરિકાથી ઉપકરણો મગાવ્યાં, અને દરિયાના મોજાંની તાકાતનો ઉપયોગ કરીને તેણે ક્યૂલિયન ટાપુ માટે સ્વતંત્ર જનરેટર હાઉસ બનાવ્યું, અને ડોક્ટરોનાં આવાસો સહિત આખાયે ક્યૂલિયન ટાપુને ઝગમગતો કરી દીધો.
સાજાંનરવાં લોકો માટે આવું એકાદ પણ ભગીરથ કાર્ય કરવાનું આવે, તો એક જિંદગી ઓછી પડે, ત્યાં હાથપગનાં આંગળાં કે હાથપગ ખુદ ખવાઈ જતાં હોય એવી સ્થિતિમાં આવાં ભગીરથ કાર્યો કરવાં એ કેવી મજબૂત માનસિક સ્થિતિ માગી લે!
અને આ બધાં કાર્યો કેવી પરિસ્થિતિની વચ્ચે થાય છે એ જુઓ, કે ક્યૂલિયનમાં નેડના આગમન પછી, ફિલિપાઇન્સમાં રહેતી નેડની જૂની પ્રેમિકા કેરિટા અને તેનો નાનો ભાઈ સાંચો પણ રક્તપિત્તનાં દર્દી બનીને એ જ ટાપુ પર આવી ગયાં હતાં!
આપણે પ્લેટોનિક લવની વાતો પણ કરી શકવા સમર્થ નથી બની શકતાં, ત્યારે નેડ અને કેરિટા ક્યૂલિયન ટાપુ પર પ્લેટોનિક લગ્નબંધને જોડાય છે. અહીં આ લગ્નસંબંધમાં ‘સંબંધ’ જેવી કોઈ બાબતને કોઈ સ્થાન નથી, કારણ કે ડોક્ટરોએ તેમને જણાવેલું, કે તેમના લગ્નજીવનમાં જો બાળક જન્મે, તો એ રક્તપિત્ત સાથે જ જન્મવાનું!
આખી જિંદગી સ્પર્શવિહોણા લગ્નસંબંધ સાથે જોડાવું એક કોઈ સરળ બાબત નથી! અને તે છતાં લગ્નપ્રસંગ બાદ બંને પોતપોતાના ઘરમાં એ પ્રથમ રાત વિતાવે છે, અને એ પછીના ટાપુ પરની તેમની પ્રત્યેક રાત એ જ રીતે વીતે છે.
આ અને આવી અનેક બાબતોના અંતે ક્યૂલિયન ટાપુ પર રક્તપિત્તની સારવાર કરતા ડોક્ટરો નેડને ‘રક્તપિત્તથી મુક્ત’ જાહેર કરે છે. રક્તપિત્તથી આ મુક્તિ, એટલે કે નેડના હાથપગની આંગળીઓ તો ખરી ગઈ છે, પરંતુ તેનો રક્તપિત્ત હવે આગળ વધવાનો ન હતો. નેડની ઇચ્છા હોય તો તેને પોતાના વતનમાં પાછો ફરવાની ડોક્ટરો તેને રજા આપે છે.
કેરિટા સહિત ટાપુ પરના સઘળા દર્દીઓની રજા લઈને, તેમની સાથે પચીસ વર્ષનું જીવન વિતાવ્યા પછી નેડ અમેરિકા પાછો ફરવા માટે રવાના થાય છે. તેનો નાનો ભાઈ ટોમ તો એ અગાઉ જ ફિલિપાઇન્સના યુદ્ધમાં ખપી ગયો હતો. અમેરિકામાં તેનાં માબાપ મૃત્યુ પામ્યાં હતાં. તેના મૃત્યુનો મલાજો જાળવીને શાળામાં બાળકોને ભણાવતી એક માત્ર જેન તેના આ અમેરિકાપ્રવાસનું કારણ હશે!
નેડનું ગામ એટલું નાનું હતું કે ટ્રેનો ત્યાં ઊભી ન રહેતી. તેના ગામ પાસેથી પસાર થઈને આગળના મોટા સ્ટેશને ઊભી રહેનારી ટ્રેનની બારીમાંથી પોતાના ગામની બત્તીઓને દૂરથી નિહાળીને નેડ ડબ્બામાં સૂઈ જાય છે, અને સવારે મોટા સ્ટેશને ઊભી રહેલી ટ્રેનના એ ડબ્બામાંની સીટ પરથી તેનો મૃતદેહ મળી આવે છે.
નેડની કથાના આ હૃદયદ્રાવક અંતે જ આ પુસ્તક ‘ઠવજ્ઞ ઠફહસ અહજ્ઞક્ષય’ના અનુવાદના પુસ્તકનું શીર્ષક ‘યાતનાઓનું અભયારણ્ય’ રાખવા માટે મને મજબૂર કરેલો. યાતનાઓ આ આખાયે પુસ્તકમાં અભયારણ્યમાં ફરતા પશુઓની જેમ વિના સંકોચ કે વિના ડર વિહરતી જ જોવા મળે છે ને!?
*પુસ્તક: ‘યાતનાઓનું અભયારણ્ય’; મૂળ પુસ્તક ઠવજ્ઞ ઠફહસ અહજ્ઞક્ષય; અનુવાદક: અશ્વિન ચંદારાણા.