નર્મદા ડેમ 51% ભરાયો, ગુજરાતીઓ ખુશખુશાલ: રાજ્યના 11 જળાશયો 50થી 70% ભરાયા, લાંબા ગામે આભ ફાટ્યું, રાવલ બેટમાં ફેરવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભુક્કા બોલાવી રહ્યા છે. ગીરનાર અને માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. માણાવદર અને કુતિયાણામાં આઠથી વધુ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક ગામો સંપર્કવિહોણા થયા છે. તો લાંબામાં આભ ફાટ્યું જ્યારે રાવલ બેટમાં ફેરવાયું છે. બીજી તરફ નર્મદા ડેમ 51 ટકા ભરાયો છે. જેથી ગુજરાતીઓ ખુશખુશાલ થયા છે. રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા છે. રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, જ્યારે ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતના જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો છે.
રાજ્યના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો 70 થી 100ટકા, 11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25 થી 50 ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે. માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદથી 15થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. તેમજ પાજોડ , સરાડીયા જતા રોડ પર ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. બાંટવા ખારા ડેમના 6 દરવાજા ખોલાયા, નિચાણવાળા વિસ્તારના ભલગામ,એકલેરા, કોડવાવ, થેપલા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા છે. તેમજ કલ્યાણપુરના લાંબામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. જ્યારે રાવલ ગામ બેટમાં ફેરવાયું છે.
ચારેય ઝોનમાં શું છે જળાશયોની સ્થિતિ?
ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21%
મધ્ય ગુજરાતના 17માં 42%
દક્ષિણ ગુજરાતના 13માં 32%
કચ્છના 20માં 21%, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે
- Advertisement -
હિરણ નદી બે કાંઠે
ગીર જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે. તાલાલામાંથી પસાર થતી હિરણ નદી બે કાંઠે વહેવા લાગી. વર્ષાઋતુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ હિરણ નદીમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી.