બનુઆઇ દેવલોક પામ્યાના સમાચારથી ચારણ સમાજમાં શોક
સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બિમાર હતા
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ નજીક આવેલા સોનલધામ મઢડા મંદિરમાં બિરાજમાન બનુઆઇ માતાજીએ 93 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. દેવલોક પામેલાં બનુઆઈ માતાજીને તેમની કહેલ જગ્યાએ સાંજના 4 વાગ્યાની આસપાસ સમાધિ આપવામાં આવશે. મઢડાના મંદિર અને સોનલ આઈ માતાજીની સમાધિની નજીકમાં જ બનુઆઈ માતાજીને સમાધિ આપવમાં આવશે. સમાજ સુધારક એવા બનુઆઈ માતાજીના દર્શન કરવા માટે ઈશુદાન ગઢવી પણ આપના કાર્યકારો સાથે મઢડા પહોંચ્યા હતા. જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છેકે, ચારણ સમાજ અને અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર એવું સોનલધામ મઢડાથી પૂ. બનુમા આજે પરલોક સિધાવ્યા છે. જેનું દુ:ખ ચારણ સમાજને છે. બનુમાના આશિર્વાદ હંમેશા બધાને મળતા રહ્યાં છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને ખરા અર્થથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.