વાચકોને પુસ્તક પણ ભેટ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા તારીખ 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે. રાજકોટ દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બિગ બજાર પાછળની બ્રહ્મકુંજ સોસાયટી મેઇન રોડ પર આવેલ રાજકોટ મનપા સંચાલિત સરકાર બાગમાં વહેલી સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 300 જેટલા વિવિધ પુસ્તકો રાખવામાં આવશે તેમજ સવારના ગાર્ડનમાં આવનારા સૌ કોઈ પુસ્તક પરબની મુલાકાત લઈ પોતાને મનગમતા પુસ્તક વાંચન માટે પોતાના ઘરે લઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોટેચા સ્કૂલ, રામનગર મંદિરમાં ચાલી રહેલ પુસ્તક પરબ ની જેમ શહેર મવડી વિસ્તારમાં આવેલ ઉદયનગર, શ્રીનાથજી સોસાયટી, અલકા સોસાયટી, બાપા સીતારામ ચોક, કૃષ્ણ પાર્ક સહિતના વિસ્તારોમાં રહેતા શહેરીજનો માટે સાહિત્યસેતુ રાજકોટ અને મવડી ચોકડી પાસે ઉદયનગર વિસ્તારમાં આવેલ સાંદિપની સ્કૂલ દ્વારા વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ત્રીજા પુસ્તક પરબનો પ્રારંભ શહેરના સર્જકો, સાહિત્ય પ્રેમીઓ, પુસ્તક પ્રેમીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
- Advertisement -
દર મહિનાના ચોથા રવિવારે શરૂ થનાર ત્રીજા પુસ્તક પરબનું સંચાલન સાંદિપની સ્કૂલના ઉર્વેશભાઈ પટેલ તથા તેઓની ઉત્સાહી ટીમ દ્વારા કરવામાં આવશે. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સાંજના છ થી સાત એક કલાક સુધી શહેરના કાલાવડ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સમૂહવાચકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં સૌ સંગાથે પોતાના મનગમતા પુસ્તકનું વાંચન કરશે. વાંચન પ્રેમીઓ માટે પુસ્તકની વ્યવસ્થા સાહિત્ય સેતુ દ્વારા કરવામાં આવશે. સમૂહ વાંચનના કાર્યક્રમમાં સહભાગી બનનાર દરેક વાચકોને સંસ્થા દ્વારા એક પુસ્તક ભેટ આપવામાં આવશે. શહેરના વાંચન પ્રેમીઓને સમૂહ વાંચન માટે આમંત્રણ છે. ત્રણેક કાર્યક્રમને સફળ બનાવવા સાહિત્ય સેતુ ના વસંતભાઈ ગાદેશા, મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, હસમુખ રાચ્છ સહિતના અનેક આગેવાનો કાર્યરત છે.