બોમ્બે હાઇકોર્ટે કહ્યું, પરવાનગી વિના સોસાયટીમાં પશુઓની બલિ ચઢાવવી એ ખોટું, રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ પ્રશાસનને આવું કરનારાઓ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ
બોમ્બે હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વનો આદેશ આપ્યો છે. વાત જાણે એમ છે કે, મુંબઈને અડીને આવેલા મીરા રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટીમાં બલિદાન માટે લાવવામાં આવેલા બકરાના વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ સૂચના આપી છે. આવા જ એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, પરવાનગી વગર સોસાયટીમાં પશુ બલિદાન સંપૂર્ણપણે ખોટું છે.
- Advertisement -
બોમ્બે હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે પોતાના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, પરવાનગી વિના સોસાયટીમાં પશુઓની બલિ ચઢાવવી એ ખોટું છે અને રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ પ્રશાસનને આવું કરનારાઓ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. અહીં નોંધનીય છે કે, મીરા રોડ સ્થિત હાઉસિંગ સોસાયટી કેસમાં કોર્ટે આ નિર્દેશ આપ્યો નથી. આ મામલો મુંબઈની અન્ય સોસાયટી સાથે જોડાયેલો છે. જેમાં જૈન સમાજના લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
શું છે સમગ્ર મામલો ?
વાસ્તવમાં નાથાની બિલ્ડીંગમાં બલિદાન માટે 60 બકરા લાવવામાં આવ્યા હતા. જેના પર પ્રતિબંધ મૂકવા માટે જૈન સમાજના લોકોએ આ અરજી કરી હતી. અરજદારના વકીલે સોસાયટી પરિસરમાં બકરાના બલિદાનનો વિરોધ કરીને કોર્ટમાં આ અરજી કરી હતી. કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા પોલીસ અને BMCને નિર્દેશ આપ્યા છે. જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સોસાયટીની પરવાનગી વગર પરિસરમાં પ્રાણીઓની બલિ ચઢાવવી ખોટું છે. જો આવું ક્યાંય થતું હોય તો વહીવટી તંત્રએ તેમાં હસ્તક્ષેપ કરીને સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ.
મીરા રોડની જેપી ઇન્ફ્રા સોસાયટીનો શું છે વિવાદ ?
મોહસીન ખાન નામનો વ્યક્તિ મંગળવારે મીરા રોડ સ્થિત જેપી ઈન્ફ્રાના એસ્ટેલા બિલ્ડિંગમાં બે બકરા લઈને આવ્યો હતો. પરિસરમાં બકરાના બલિદાન સામે સમાજના લોકોએ વાંધો ઉઠાવતાં તેણે પોતાના લોકોને બોલાવ્યા. બીજી તરફ હિન્દુ સંગઠનના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેણે ત્યાં જય શ્રી રામના નારા લગાવ્યા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા. જ્યારે વિવાદ વધી ગયો, ત્યારે પોલીસે મોહસીન ખાનને સમજાવ્યું કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, તે પરિસરમાં બકરાની કુરબાની ન આપી શકે, ત્યારબાદ તે બુધવારે સવારે બકરાને લઈને ગયો.
- Advertisement -
સોસાયટીમાં રહે છે 250 મુસ્લિમ પરિવારો
આ કેસમાં બકરી લાવનાર મોહસીન કહે છે કે, આ સોસાયટીમાં 200 થી 250 મુસ્લિમ પરિવારો રહે છે. દર વર્ષે બિલ્ડર અમને બકરી રાખવા માટે જગ્યા આપતો હતો, પરંતુ આ વખતે બિલ્ડરે કહ્યું કે જગ્યા નથી. આ માટે તમારા સમાજ સાથે વાત કરો. મોહસીનના કહેવા મુજબ સોસાયટીમાંથી બકરી રાખવા માટે જગ્યા પણ માંગવામાં આવી હતી, પરંતુ સોસાયટી દ્વારા કોઈ જગ્યા આપવામાં આવી ન હતી.