બાળપણમાં પિતાનું અવસાન, માતાની હિંમત અને મહેનતથી ઘડાયું ભવિષ્ય – સંઘર્ષથી સફળતાનું જીવંત ઉદાહરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા (ગીર) ગામના યુવાન સચિન ડોડિયા એ ગુજરાત જાહેર સેવા આયોગ (ૠઙજઈ)ની સીડ્સ ઓફિસર ક્લાસ-2 પરીક્ષા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ કરી ગામનું નામ રોશન કર્યું છે.
સચિનના પિતાનું અવસાન ત્યારે થયું જ્યારે તે ફક્ત 7-8 વર્ષનો હતો અને તેનો નાનો ભાઈ 5 વર્ષનો હતો. પતિના અવસાન બાદ પરિવારનું તમામ બોજું માતાજીના ખભા પર આવ્યું. સામાન્ય રીતે મહિલા એકલા હાથે ખેતી કરી શકતી નથી, પરંતુ સચિનની માતાજીએ અદમ્ય હિંમત દાખવી ખેતી જાતે કરી, મામા તથા ગામના લોકોએ નાની મોટી મદદ કરી, અને દીકરાઓનું ભવિષ્ય ઘડવા માટે શિક્ષણમાં કોઈ કસર ન છોડી હતી. વિધવા મહિલાએ ખેતી સંભાળવી એ સહેલું નથી, છતાં સચિનની માતાજીએ ક્યારેય પોતાના દીકરાઓના ભવિષ્ય પર છાંયો પડવા દીધો નથી. વરસાદ હોય કે તાપ હોય – ખેતરમાં દિવસ-રાત પરિશ્રમ કર્યો અને દીકરાઓને શિક્ષણમાં અગ્રેસર રાખ્યા. એ જ સંકલ્પ આજે આ પરિવારને ગૌરવ અપાવનાર બન્યો છે. સચિન અને તેના ભાઈએ બાળપણમાં ગામની શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો અને બાદમાં માધ્યમિક માટે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. સચિન હંમેશા રેન્કર વિદ્યાર્થી રહ્યો. 12 સાયન્સ બાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો અને અભ્યાસ દરમિયાન જ સરકારી પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.
સચિન પહેલા ગ્રામ સેવકની પરીક્ષા પાસ કરીને સુત્રાપાડા તાલુકા પંચાયતમા ફરજ બજાવી હતી. પરંતુ વધુ સારી નોકરી માટે તેમણે નોકરીમાં રજા મૂકી ૠઙજઈ માટે કઠોર મહેનત કરી. તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં તેઓએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ સફળતા પાછળ માત્ર સચિનનો જ નહીં પરંતુ તેની માતાનો પરિશ્રમ, મામા તથા ગામના લોકોએ આપેલી મદદ પણ નોંધપાત્ર છે. સમાજ માટે આ એક પ્રેરણારૂપ ઘટના છે કે સંઘર્ષ છતાં સપનાઓ સાકાર કરી શકાય છે.
સચિનનો નાનો ભાઈ પણ હાલમાં સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને અભ્યાસમાં ખૂબ તેજસ્વી છે. ગામના લોકોનો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં એ પણ સરકારી નોકરી મેળવી પરિવારનું તથા ગામનું નામ રોશન કરશે.
સચિનની સફરમાં ગામના લોકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ખેતીમાં નાની મોટી મદદ હોય કે દીકરાઓના અભ્યાસ દરમ્યાન પ્રોત્સાહન – અનીડા ગીરના લોકો હંમેશા સાથમાં રહ્યા. આ દર્શાવે છે કે સમાજની એકતા અને સહકારથી જ મોટી સફળતાઓ સર્જાઈ શકે છે.
સચિન ડોડિયાની સફળતા માત્ર વ્યક્તિગત કે પરિવારની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. ગામના અનેક યુવાઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમની માટે આ સિદ્ધિ એક માર્ગદર્શક છે કે કપરા સંજોગોમાં પણ હિંમત અને અવિરત અભ્યાસથી સફળતા મળી શકે છે. હિંમતવાન માતાની તાકાત દીકરાઓના ભવિષ્યને આકાશ સુધી લઈ જઈ શકે છે – સચિન ડોડિયાની સફળતા એનો જીવંત દાખલો છે.
ખેતરના મેદાનમાંથી GPSC સુધીનો વિજય : બાળપણથી સંઘર્ષ છતાં હિંમતભરી માતાની મહેનત અને દીકરાનો પરિશ્રમ લાવ્યો રંગ



