પશ્ચિમી દેશોએ રશિયાને ‘શબક’ શીખડાવવા 60 ડોલરનું ભાવબાંધણુ કરતા રશિયન ઉત્પાદકો જંગી ડીસ્કાઉન્ટથી ભારત-એશિયન રાષ્ટ્રોને ક્રૂડ વેચવા લાગ્યા
યુરોપ સહિતના પશ્ચિમી રાષ્ટ્રોએ ભાવમર્યાદા લાગૂ પાડીને રશિયાના ક્રૂડ તેલની ખરીદી બંધ કર્યાનો મોટો લાભ ભારતને મળવા લાગ્યો હોય તેમ ભારતની રશિયન ક્રૂડની ખરીદી 60 ડોલરથી પણ ઓછા ભાવે થવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનો ભાવ 80 ડોલર આસપાસ પ્રવર્તી રહ્યો છે. એશિયામાં બીજા નંબરનો ક્રૂડ તેલ વપરાશકાર દેશ એવા ભારતને રશિયન ક્રૂડની ખરીદીમાં તોતીંગ ડીસ્કાઉન્ટ મળી જ રહ્યું છે.
- Advertisement -
હવે પશ્ચિમી રાષ્ટ્રોના નિર્ણય બાદ 60 ડોલરથી પણ નીચા ભાવે ક્રૂડ મળવા લાગ્યું છે. યુરોપની માર્કેટ બંધ થઇ જતા રશિયન ઉત્પાદકોને ગળાકાપ હરિફાઈ વચ્ચે જંગી ડીસ્કાઉન્ટમાં ક્રૂડ વેચવું પડી રહ્યું છે. કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન તથા અમેરિકા જેવા સાત જી-7 રાષ્ટ્રોએ રશિયન ક્રૂડ ખરીદી માટે 60 ડોલરની ભાવમર્યાદા લાગૂ પાડીને ખરીદી અટકાવી છે. આ સંજોગોમાં રશિયન ઉત્પાદકોને ક્રૂડ વેચવા માટે એશિયન તથા મધ્ય એશિયાના રાષ્ટ્રોને જંગી ડીસ્કાઉન્ટ ઓફર કરવું પડી રહ્યું છે.
એશિયન રાષ્ટ્રોમાં દરરોજ 10 લાખ બેરલ ક્રૂડની નિકાસ કરવાનો ટારગેટ આપવામાં આવ્યો છે. યુક્રેન સામે યુધ્ધે ચડેલા રશિયાની આર્થિક તાકાતને ભાંગી નાખવાના ઇરાદે જી-7 દેશોએ તેના ક્રૂડની ખરીદી કરવામાં ભાવઅંકુશ મુક્યો હોવાનું ઉલ્લેખનીય છે. રશિયન તેલ ઉત્પાદકો માટે શિયાળાના હવામાનરુપી બીજી આપત પણ આવી છે. જહાજની અછત સર્જાતા ભાડા ઉંચકાતા ઉત્પાદકો પર બેવડો બોજ સર્જાયો છે.
ફેબ્રુઆરી અગાઉ પ્રતિ બેરલ ભાડુ 3 ડોલરથી પણ ઓછું હતું તે હવે 11થી 19 ડોલર ચાલી રહ્યું છે. વર્ષના મધ્યમાં ભાડામાં આંશિક ઘટાડો હતો છતાં તેની સરખામણીએ પણ હજુ ડબલ છે.માહિતગાર સુત્રોએ કહ્યું કે ચાલુ ડીસેમ્બર મહિનામાં પણ ભારતે 60 ડોલરથી નીચા ભાવે રશિયાનું ક્રૂડ તેલ ખરીદ કર્યું છે. નિષ્ણાંતોની ગણતરી પ્રમાણે ભાડાને બાદ કરતા 32થી 35 ડોલરમાં જ ખરીદી થઇ છે. ભારત સમગ્ર એશિયામાં બીજા નંબરનું સૌથી મોટુ ક્રૂડ આયાતકાર રાષ્ટ્ર છે. રશિયામાંથી નિકાસ વ્યવહાર પણ ભૌગોલિક રીતે અનુકુળ છે.
- Advertisement -