નવલખી ફાટક પાસે છરી અને ધોકા વડે હુમલો, મૃતકના પિતાને પણ ઈજા, 6 આરોપીઓ ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીના નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવવાના સમાધાન બાબતે થયેલી બબાલમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં મૃતકના પિતાને પણ ઈજા પહોંચી છે. મોરબી એ ડિવિઝન પોલીસે મહિલાઓ સહિત કુલ છ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.નરશીભાઈ જીવાભાઈ પરમાર (ઉં.વ. 47, રહે. નવલખી ફાટક પાસે) એ આ મામલે વિજય ગુણાભાઈ પરમાર, શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને સની જંજવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરોપી શંકર ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીંગ હીરાભાઈ દેવીપૂજકની દીકરી સંગીતાને ભગાડી લાવ્યો હતો. આરોપીઓ ફરિયાદી પર સમાધાન કરાવવા માટે દબાણ કરી રહ્યા હતા, પરંતુ ફરિયાદીએ ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ છરી, ધારિયું અને લાકડી જેવા હથિયારો સાથે ફરિયાદીના ઝૂંપડા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપી શંકરે છરીના ઘા મારી ફરિયાદીના ભત્રીજા રમેશ ગભાભાઈનું ખૂન કર્યું હતું. આ ઉપરાંત, અન્ય આરોપીઓએ ધારિયા અને લાકડી વડે ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી.પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને તમામ છ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે.