શ્રાવણ મહિનો મહાદેવની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. મહાદેવની મૂર્તિપૂજા પ્રાર્થના, અભિષેક વગેરે દ્વારા તો કરી જ શકાય છે, પરંતુ “ૐ નમ: શિવાય” મંત્ર-જાપથી પણ મહાદેવને રીઝવી શકાય છે.
– ડો. શરદ ઠાકર
પરંતુ ભગવાન શંકર અને જગતજનની પાર્વતીજીની આરાધના માટે શ્રી ગુરુગીતાનો પાઠ અને રુદ્રમ્ નો પાઠ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રી ગુરુગીતા એ કૈલાસ પર્વત પર બિરાજમાન ભગવાન શંકર અને દેવી પાર્વતીજી વચ્ચેનો સંવાદ છે. રુદ્રમ્એ સર્વશક્તિમાન પરમતત્ત્વનું સર્વશ્રેષ્ઠ, સવિસ્તર વર્ણન છે.
શ્રાવણ મહિનાના પ્રત્યેક દિવસે આપણે શ્રી ગુરુગીતામાંથી થોડીક મહત્ત્વની વાતો જાણીશું અને રુદ્રમ્ વિશે વધુ માહિતી મેળવીશું.
- Advertisement -
શ્રી રુદ્રમ્ને વેદોનો સાર માનવામાં આવે છે. એમાં તમામ દર્શનશાસ્ત્રોનું પ્રતિકાત્મક નિરૂપણ સમાઈ જાય છે. રુદ્રમ્ એટલે શૈવસિદ્ધાંતમાં પ્રતિપાદિત પરમાત્માનું વિશ્વાત્મક અને વિશ્વોત્તીર્ણ બન્ને રૂપોનું સમર્થન.
શ્રી રુદ્રમ્ મૂલત: કૃષ્ણ યજુર્વેદ, જે તૈત્તિરીય સંહિતાના નામથી પ્રસિદ્ધ છે, એમાં જોવા મળે છે. આ ગ્રંથના ચોથા કાંડમાં રુદ્રમનો પાઠ આવે છે. શિવનો પંચાક્ષરી મંત્ર ‘ૐ નમ: શિવાય’ એ આ કાંડનો પ્રાણ છે. આ જ કારણથી પ્રાચીનકાળમાં નિત્યપૂજા, જપ અને હોમ-હવન આદિ કાર્યોમાં રુદ્રમ્ નો પાઠ કરવામાં આવતો હતો.
ભગવાન શંકરની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતો શ્રી રુદ્રમ્નો પાઠ તૈત્તિરીય સંહિતાનાં ચોથા કાંડનાં મધ્યભાગમાં જોવા મળે છે. એને બે વિભાગમાં વિભાજિત કરી શકાય: ‘નમકમ્’ અને ‘ચમકમ્’. ‘નમ:’ શબ્દનો વારંવાર ઉચ્ચાર થવાને કારણે પ્રથમભાગને ‘નમકમ્’ કહેવાય છે. એ જ રીતે બીજાભાગમાં ‘ચ મે-ચ મે’ શબ્દ વારંવાર આવે છે, માટે બીજા ભાગને ‘ચમકમ્’ કહે છે.
- Advertisement -
શ્રી રુદ્રમ્નો પ્રભાવ માત્ર એ જ કારણથી નથી કે એનાં ઉચ્ચારણમાં માત્ર ધ્વનિસૌંદર્ય સમાયેલું છે, પરંતુ એનો પ્રભાવ એ કારણે પણ છે કે ઈશ્ર્વર પ્રત્યે એનો સર્વદેશીય અને સર્વકાલીન દૃષ્ટિકોણ રહેલો છે. ભગવદ્ ગીતામાં ભગવાનનાં વિરાટરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, એનાં કરતાં પણ વધારે વિસ્તારપૂર્વક અને વધારે સુંદર વર્ણન શ્રી રુદ્રમ્માં જોવા મળે છે.