હાલમાં રૂ. 84000 કરોડના મૂલ્યની 2000ની નોટો બજારમાં
બેન્કોમાં પાછી આવેલી 76% નોટોમાં 87% ડીપોઝિટસના સ્વરૂપમાં અને 13% નોટસ એકસચેન્જ કરાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
19મીમેના રોજ સર્ક્યુલેશનમાં રહેલી રૂપિયા 2000ની નોટસમાંથી 76 ટકા નોટસ બેન્કોમાં પરત આવી ગયાનું રિઝર્વ બેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. 19મી મેના રોજ સર્ક્યુલેશનમાં રહેલી નોટસનું કુલ મૂલ્ય રૂપિયા 3.56 ટ્રિલિયન રહી હતી. આમાંથી રૂપિયા 2.72 ટ્રિલિયનની નોટસ બેન્કોમાં પાછી આવી ગયાનું રિઝર્વ બેન્ક દ્વારા જણાવાયું છે. હાલમાં રૂપિયા 84000 કરોડના મૂલ્યની જ રૂપિયા 2000ની નોટસ બજારમાં ફરી રહી છે. બેન્કોમાં પરત આવેલી રૂપિયા 2000ની કુલ નોટસમાંથી 87 ટકા ડીપોઝિટસના સ્વરૂપમાં અને 13 ટકા નોટસ અન્ય નોટસ સામે એકસચેન્જ કરવામાં આવી છે.
રિઝર્વ બેન્કે રૂપિયા 2000ની નોટસ બેન્કોમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે. વર્તમાન વર્ષના 19મી મેના એક રિઝર્વ બેન્કે રૂપિયા 2000ની નોટસ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવા નિર્ણય કર્યો હતો.
રૂપિયા 2000ની નોટસમાંથી 89 ટકા નોટસ તેના અંદાજિત 4-5 વર્ષના આયુષ્ય સમાપ્ત કરવાની તૈયારીમાં હતી. 31મી માર્ચ, 2023ના અંતે દેશમાં સર્ક્યુલેશનમાં રહેલી નોટસમાંથી 10.80 ટકા નોટસ જ રૂપિયા 2000ના સ્વરૂપની હતી. સામાન્ય નાણાં વ્યવહારમાં રૂપિયા 2000ની નોટસનો વપરાશ ખાસ થતો નહતો. અત્રે ઉલ્લેખનિય છે કે રૂપિયા 2000ની નોટસ પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશમાં કિંમતી માલસામાન જેમ કે એસી, ટીવી, સોનાના ઝવેરાત વગેરેની માગમાં નોંધપાત્ર વધારો થયો હતો.