વીમાનાં નામે 77,400 કાપ્યાં પરંતુ વીમાની યોગ્ય વિગત કે માહિતી ન આપી
અરજદારને કાચા કાગળ ઉપર પહેલાં જ હિસાબ આપી દીધો બાદ સેંકશન લેટર આપ્યો
કાચા કાગળનો હિસાબ ઇન્કમટેકસમાં ચાલે?
રોહા હાઉસીંગ ફાઇનાન્સ લોકોને સાધારણ કાગળ ઉપર હિસાબ આપે છે. આવા કાચા કાગળ ઉપરનો હિસાબ ઇન્કટેકસ અને અન્ય વિભાગ માન્ય રાખશે ?. ધંધાર્થીઓ લોન લેતા હોય છે અને તેનાં ટેકસ વિભાગે તેનો હિસાબ પણ આપતા હોય છે ત્યારે રોહા હાઉસીંગ ફાઇનાન્સ દ્વારા આપવામાં આવતો હિસાબ માન્ય રહે નહી.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા સહિત જિલ્લામાં રોહા હાઉસીંગ ફાઇનાન્સે જાણે લોકોને બોટલમાં ઉતારવાનો ગોરખધંધો શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. અભણ અને સામાન્ય લોકોને હોઉસીંગની લોનને લઇ છેતરી રહ્યાં છે. લોનની પ્રક્રિયાથી અજાણ લોકોનાં કોઇને કોઇ બહાને રૂપિયા કાપી લેવામાં આવી રહ્યાં છે. લોન બાદ લોકો રોહા હાઉસીંગ ફાઇનાન્સ પાસે જાય તો યોગ્ય જવાબ પણ મળતો નથી. લોન લઇને લોકોને પસ્તાવાનો સમય આવ્યો છે. તેમજ લોકો બહાર તપાસ કરતા પોતે છેતરાયા હોય તેવું લાગી રહ્યું છે. રોહા હાઉસીંગ ફાઇનાન્સમાં અરજદારે લોન માટે અરજી કરી હતી. રોહા હાઉસીંગ ફાઇનાન્સ દ્વારા 14.90 લાખની લોન આપી હતી. પરંતુ 14.90 લાખની લોનમાંથી અરજદારનાં 1,14,668 રૂપિયા કાપી લેવામાં આવ્યાં હતાં. આ અંગે અરજદારે જણાવ્યું હતું કે, 14.90 લાખનાં લોન લેવામાં આવી હતી. જેનાં બે ચેક આપવામાં આવ્યાં છે. એક ચેક 6,10,332 રૂપિયાનો અને બીજો ચેક 7,65,000નો આપવામાં આવ્યો છે. બન્નેનાં કુલ રકમ 13,75,332 રૂપિયા થાય છે. 1.14 લાખ જેટલી રકમ કાપી નાખવામાં આવી છે. આ અંગે પહેલા તો કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. વારંવાર પુછવા છતા કોઇ માહિતી આપી ન હતી. બાદ સાધારણ કાગળમાં કપાત રકમનો હિસાબ લીખેને આપી દીધો હતો.જેમાં પ્રોસેસીંગ ફ્રી, વીમો, લોગીન ફ્રી, મોર્ગેજ, એગ્રીમેન્ટ, ઝેરોક્ષ, ડીકલેરેશનનાં નામે રૂપિયા કાપ્યાનું કહ્યું હતું. જોકે અમે આ માન્ય ન રાખતા તેની પાછળ પડ્યાં હતાં. અંતે સેંકશન લેટર આપ્યો હતો. પરંતુ સાધારણ કાગળ અને સેંકશન લેટરનાં હિસાબમાં ખુબ વિસંગતા છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેવી વિસંગતા ભરેલી છે. એટલું જ નહી જીવન વીમો, પ્રોપર્ટી વીમો, મેડીકલ વીમાનાં નામે 77,400 રૂપિયા કાપવામાં આવ્યાં છે. પરંતુ વીમાની કોઇ જ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. વીમાને લગતુ કોઇ જ સાહિત્ય આપવામાં આવ્યું નથી. રોહા હાઉસીંગ ફાઇનાન્સ લોકોને છેતરવાનું કામ કરી રહી છે. લોકોને માહિતી આપ્યા વીના આડેધડ રૂપિયા કાપી રહી છે. લોનનાં નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. રોહા હાઉસીંગ ફાઇનાન્સનાં નામે જાણે ગોરખધંધો શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
વધારાનાં 16 હજાર માંગ્યા
રોહા હાઉસિંગ ફાઇનાન્સે લોનની રકમમાંથી 1.14 લાખ રૂપિયા કાપી લીધા છે. છતા પણે તેમનું પેટ ભરાતુ ન હોય તેમ ઉપરથી વધારાનાં 16 હજાર માંગ્યા હતાં. સામાન્ય રીતે હાઉસીંગ લોન કરતી બેંક અને નોનબેંક સંસ્થાઓમાં એજન્ટ કામ કરતા હોય છે. આ એજન્ટને જેતે સંસ્થા કમિશન આપે છે. પરંતુ સામાન્ય અને અભણ માણસો પાસેથી આવા એજન્ટો અને સંસ્થા વધારાનાં રૂપિયા પડાવી લે છે.
તમારી સાથે આવી છેતરપિંડી થઇ હોય તો ‘ખાસ-ખબર’નો સંપર્ક કરો
ફાઇનાન્સનાં નામે અનેક લોકો છેતરાઇ રહ્યાં છે. તેમજ રોહા હાઉસીંગ ફાઇનાન્સ દ્વારા યોગ્ય માહિતી કે જવાબ ન મળતો હોય તો આધાર પુરાવા સાથે ખાસ ખબર મો.નં. 96149 95149 ઉપર સંપર્ક કરવો. તમારી ન્યાયીક લડાઇમાં ખાસ-ખબર તમારી સાથે રહેશે.