બજારમાં લોટના ભાવમાં 20 ટકા વધારો: પ્રતિ ક્વીન્ટલ રૂા.2800 પહોંચી ગયો
જથ્થાબંધ ફુગાવો ચાર માસના તળીયે પરંતુ બજાર ભાવ પર તેની કોઇ અસર નથી: શાકભાજીથી લઇ રસોડાની તમામ ચીજોમાં ભાવ વધારો થઇ રહ્યો છે
- Advertisement -
દેશમાં એક તરફ જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાના સૌથી નીચા દરે છે. બીજી તરફ બજારમાં ભાવ સપાટી ઘટવાનું નામ લેતી નથી અને આગામી દિવાળી સુધી રોટીથી માંડી બ્રેડ અને બિસ્કીટથી માંડીને કુકીઝ તમામ મોંઘુ થઇ શકે છે.
દેશમાં લોટનો ભાવ રૂા.2250 પ્રતિ ક્વીન્ટલથી વધુને રૂા.2800 આસપાસ પહોંચી ગયો છે અને હજુ પણ ભાવ વધશે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી ઘઉંના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. જેથી લોટના ભાવમાં પણ વધારો થયો છે અને બજારમાં લોટનો ભાવ 20 ટકા જેટલો મોંઘો થઇ ગયો છે. જેના કારણે બ્રેડ, નુડલ્સ, પાસ્તા, બિસ્કીટ, કેક વગેરેના ભાવ પણ વધશે.
દેશમાં ઘઉંની પુરતી ઉપલબ્ધતા છે. પરંતુ માર્કેટમાં ભાવ વધારાની અસર તમામ ઉત્પાદનોમાં જોવાઇ રહી છે. જો કે એક તરફ જથ્થાબંધ ફુગ્ગાવો દર્શાવે છે કે કોમોડીટી અને ખાદ્ય પદાર્થોના ભાવોમાં ઘટાડો આવ્યો છે. પ્રથમ વખત જથ્થાબંધ ફુગ્ગાવો 1.3 ટકા નોંધાયો છે જે ગત મહિને 2.4 ટકા હતો, બીજી તરફ ડુંગળી અને બટેટાના ભાવ સતત વધી રહ્યા છે. મોસમી ઇફેક્ટના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.




