રાજકોટમાં ચોકે-ચોકે થતી ગરબીમાં અંદાજે એક હજારથી વધુ બાળાઓ ભાગ લે છે. એ બાળાઓને લહાણી આપવા કઈક ખરીદી તો કરવી પડે ને? આમ, નવરાત્રી-દશેરા નિમિત્તે રાજકોટની બજારોમાં ગરબીની બાળાઓને લહાણીમાં આપવા નાની-મોટી ચીજવસ્તુઓની ખરીદીથી રોનક ખીલી છે. બીજી તરફ દશેરા એટલે નવા વાહનો ખરીદવાથી લઈ શુભ કર્યો કરવાનો શુભ દિવસ.
- Advertisement -
આથી લોકો અત્યારથી જ નવા વાહનો, ઇલેક્ટ્રિક વસ્તુઓનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યાં છે. નવરાત્રી ચાલુ હોવાથી, દશેરા-દિવાળી નજીક હોવાથી ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, કોઠારિયાનાકા, યાજ્ઞિક રોડની બજારોમાં માનવભીડ ઉમટી પડી છે. શોપિંગ મોલ્સ પણ અવનવી ઓફર્સ આપી અને સેલનું આયોજન કરી ગ્રાહકોને આકર્ષી રહી છે. એકંદરે સામાન્ય દિવસો કરતા હાલનાં દિવસોમાં રાજકોટની બજારમાં રોનક વધુ જોવા મળી રહી છે. લોકો જીવનજરૂરીથી લઈ મોજશોખની ચીજવસ્તુઓ ખરીદતા નજરે જોવા મળી રહ્યા છે. રાજકોટની બજારોમાં ખરીદી કરવા માટે ગ્રાહકોની ગર્દી થતા વેપારીઓને હાશકારો થયો હોય એવું જણાઈ રહ્યું છે. આથી કહી શકાય કે.. દરેક ચીજવસ્તુ અને સેવાનાં ભાવવધારા વચ્ચે.. માજા મૂકેલી મોંઘવારીમાં પણ મજા કરે એનું નામ રાજકોટીયન.