શનાળા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે ઘટના, પોતાના જ ગામનો શખ્સ આરોપી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મોરબીમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે, જેમાં મોરબીના એક વેપારી પોતાના મિત્રને રૂપિયા આપીને પરત ફરતી વખતે લૂંટનો ભોગ બન્યા છે. શનાળા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે આ ઘટના બની હતી, જ્યાં વેપારીના પોતાના જ ગામનો એક શખ્સ ₹3.50 લાખ ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી શક્ત શનાળા લીમડાવાળા મેલડી માતાજીના મંદિર પાછળ, શિવમ હાઈટ્સની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભાણભાઈ સુરાણી (ઉ.વ. 47)એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે તેમના જ ગામના વિશાલ વેલજીભાઈ રબારી નામના શખ્સ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી ઘનશ્યામભાઈ મોરબી નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલી પોતાની દુકાને ગયા હતા. રાત્રિના આશરે પોણા નવેક વાગ્યે તેઓ દુકાન બંધ કરીને પોતાના મોટરસાયકલ પર ઘરે જવા નીકળ્યા હતા. તેમને ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી તેમણે મિત્ર હરીભાઈ કાવરને ફોન કર્યો હતો. હરીભાઈ કાવરે શનાળા રોડ જી.આઈ.ડી.સી.ના નાકા પાસે ઘનશ્યામભાઈને ₹4 લાખ આપ્યા હતા.
આ રૂપિયા ફરિયાદી એક થેલામાં લઈને નીકળ્યા હતા. મોરબી શનાળા ગામ પાસે લીમડાવાળા મેલડી માતાના મંદિર પાસે, તેમણે બજરંગ પાનવાળા કેતનભાઈને ₹30 હજાર આપવાના હતા. આ માટે તેમણે કેતનભાઈને ફોન કરીને બોલાવ્યા હતા. રાત્રિના આશરે સાડા નવેક વાગ્યે કેતનભાઈ રોડ પર આવ્યા અને ઘનશ્યામભાઈએ તેમને ₹30 હજાર આપ્યા. બાકીના ₹20 હજાર તેમણે પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી દીધા હતા. કેતનભાઈ પૈસા લઈને જતા રહ્યા બાદ, ઘનશ્યામભાઈ પણ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. તે જ સમયે, પાછળથી એક એક્ટિવા લઈને એક વ્યક્તિ આવ્યો અને ફરિયાદીના હાથમાં રહેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. અચાનક થયેલી આ બળજબરીથી બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આખરે, આરોપી વિશાલ વેલજીભાઈ રબારી, જે ફરિયાદીના જ ગામનો છે, તે ઘનશ્યામભાઈના હાથમાંથી ₹3.50 લાખ ભરેલો થેલો લઈને નાસી ગયો હતો.આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા, પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.