ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઔધોગિક વિસ્તાર એવા પીપળી જેતપર રોડ વરસાદ બાદ ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અહીંથી વાહન લઈને નીકળવું એટલે કમર ભાંગી નાખવાની તૈયારી કરીને જવું તેવી સ્થિતી બની ગઈ છે અને રસ્તા પર ડામર કરતા ખાડા વધુ પ્રમાણમાં છે. આ રોડ પરથી અનેક ગામના લોકો ખરીદી માટે તેમજ અન્ય કામ માટે પસાર થતા હોય છે અને ઔધોગિક વિસ્તાર તેમજ માનવ વસાહત હોવાથી નાના મોટા અકસ્માત કે અન્ય કોઈ કારણસર દર્દીઓ હોસ્પિટલ જવા માટે આ રોડ પરથી નીકળતા હોય છે. દિવસ રાત ધમધમતા આ રોડની હાલત એટલી હદે બિસ્માર થઈ ગઈ છે કે મોટા પાયે અકસ્માત સર્જાઈ રહ્યા છે અને કેટલાક કિસ્સામાં નિર્દોષ માનવજિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે હાલાકીથી ત્રસ્ત થયેલા આ રોડ પરના ગામના લોકોએ અને ઉદ્યોગકારોએ ચોમાસા પહેલા રોડનું કામ કરવા માટે કલેકટરથી લઈ રાજ્ય સરકારના તમામ વિભાગમાં માંગણી કરી હતી જોકે બહેરી મૂંગી સરકાર કોઈ એક્શન ન લેતા ગ્રામ પંચાયતના સરપંચો હોદેદારો તેમજ ઉધોગકારો દ્વારા 30 કિમી જેટલી વિશાળ બાઈક તથા કાર રેલી યોજીને કલેકટર કચેરીએ પહોંચીને પોતાની માંગણી મુદે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડનું તાત્કાલિક સમારકામ કરવા તેમજ ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક ફોરલેન રોડનું કામ કરવા માંગણી કરી હતી.
આ દરમિયાન જેતપર પીપળી રોડની ખરાબ હાલતને લઈને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તુરંત માર્ગ મકાન વિભાગને રોડનું તાકીદે કામ શરૂ કરવાના કડક આદેશ આપ્યા હતા જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા જેતપર રોડના રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ગાબડા પુરવા તથા પેચવર્ક કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગે તાત્કાલિક શરુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યમંત્રી મેરજાએ વરસાદ પછીની હાલત વિશે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જેતપર પીપળી રોડનું રીપેરીંગ કામ ચાલુ કરવાની કડક સૂચનાઓ આપી હતી.



