રાજકોટમાં 12 કલાકમાં બબ્બે હત્યાથી ભારે ચકચાર
થોરાળામાં ઓરિસ્સાના શ્રમીકની પથ્થરના ઘા ઝીકી હત્યા: ભેદ ઉકેલવા તપાસ
- Advertisement -
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
સોલ્વન્ટમાં મહિલાને બચાવવા જતા પારડીના યુવકને છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધી : ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રંગીલા રાજકોટમાં ગઈકાલે ખૂનની નદીઓ વહી હતી માત્ર 12 કલાકમાં હત્યાના બે બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે થોરાળામાં ઓરિસ્સાના શ્રમિક યુવાનને પથ્થરના ઘા ઝીકી પતાવી દીધાની ઘટનામાં થોરાળા પોલીસે ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે જયારે સોલ્વન્ટમાં મહિલાને બચાવવા જતા પારડીના યુવકને છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દેતા આજી ડેમ અને ક્રાઈમ બ્રાંચ પોલીસે રાતોરાત મહિલા સહીત ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મીરા ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રિયલ એરિયાના ખુલ્લા પ્લોટમાં એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ વાઘેલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે લાશ લોહીલુહાણ હાલતમાં પડી હતી. યુવકનું પેન્ટ ઉતરેલું હતું, તેનું માથું છૂંદી નાખવામાં આવ્યું હતું અને કાનમાં પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. લાશ નજીક લોહીના ડાઘવાળો પથ્થર મળી આવ્યો હતો તે પથ્થરથી જ યુવકને રહેંસી નખાયાની દૃઢ શંકા સેવાઇ રહી છે પોલીસે તપાસ કરતાં મૃતક ઓરિસ્સાનો સુધીર ચુમારૂ સુના (ઉ.વ.34) હોવાનું ખુલ્યું હતું. લાશ તેના મોટાભાઇએ ઓળખી બતાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુધીર સુના નાડોદાનગરમાં ભાડાની ઓરડીમાં રહેતો હતો અને લાદી ઘસવાનું કામ કરતો હતો, નાડોદાનગરથી સુધીર ઘટનાસ્થળે કેવી રીતે પહોંચ્યો તે તપાસનો મુદ્દો બન્યો હતો. જે અવસ્થામાં લાશ મળીએ સ્થળ અવાવરૂ હતું, તેમજ હત્યા રવિવારે મધરાતે થયાનું અનુમાન છે. આ તમામ સંજોગો પરથી એવી ચર્ચા ઊઠી હતી કે, સુધીર કોઇની સાથે સમલૈંગિક સંબંધ બાંધી રહ્યો હતો તે વખતે જ તે શખ્સ સાથે માથાકૂટ થતાં તેણે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પોલીસે હત્યારાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જયારે કોઠારિયા સોલવન્ટ નજીક પારડીના યુવકને યુવતી સહિત ત્રણ શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પારડીમાં રહેતો ભાવેશ કરૂણાશંકર વ્યાસ ઉ.38 સોમવારે સાંજે કોઠારિયા સોલવન્ટ નજીક શીતળાધાર પાસે હતો ત્યારે શ્વેતા, ધ્રુવ અને જેનિશ નામના શખ્સે છરીના ઘા ઝીંક્યા હતા. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને હુમલામાં ઘવાયેલા ભાવેશને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. યુવકની હત્યા થયાની જાણ થતાં આજી ડેમ પોલીસની ટીમ દોડી ગઇ હતી પારડીના યુવક ભાવેશે શીતળાધારમાં રહેતી વર્ષાને બહેન બનાવી હતી, વર્ષાના પુત્ર ધ્રુવને શ્વેતા સાથે પ્રેમસંબંધ છે. શ્વેતાને જયેશ નામના કોઇ યુવક સાથે સંબંધ હોવાની કેટલાક દિવસથી માથાકૂટ ચાલતી હતી અને આ અંગેનો ઝઘડો ધ્રુવના માતા વર્ષાબેન સુધી પહોંચ્યો હતો. ધ્રુવ તેની માતા સાથે આ બાબતે ઝઘડો કરી રહ્યો હતો ત્યારે ધર્મનો ભાઇ ભાવેશ વચ્ચે પડ્યો હતો અને ઝઘડો નહીં કરવા ધ્રુવને સમજાવતા મામલો બિચક્યો હતો અને મીઠીયો, શ્વેતા, ધ્રુવ અને જેનિશ સહિતે ભાવેશ પર છરીથી તૂટી પડ્યા હતા પોલીસે રાતોરાત ચારેય આરોપીઓને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.