કેસર કેરીની સિઝન પૂર્ણ થવાનાં આરે: તાલાલા યાર્ડમાં 3.16 લાખ બોકસ આવ્યાં
આડેધડ દવા અને રાસાયણીક ખાતરનાં ઉપયોગથી કેસર અસલ સ્વાદ ગુમાવી રહી છે : છેલ્લાં 10 વર્ષથી વધુ ઉત્પાદન મેળવવામાં કેસર કેરીનાં અસ્તિત્વ પર જોખમ ઉભુ કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી 26 એપ્રિલ 2022થી શરૂ થઇ હતી. એક મહિનો અને 6 દિવસમાં તાલાલા યાર્ડમાં 3,16,576 બોકસની આવક થઇ છે. હવે કેરીની સિઝન પૂર્ણ થવામાં 10 દિવસ બાકી રહ્યાં છે. રોહીણી નક્ષત્ર પૂર્ણ થયાની સાથે કેરીની સિઝન પણ પૂર્ણ થશે. ભીમ અગિયારસનાં કેરી આરોગવાનું મહત્વ રહેલું છે. ભીમ અગિયારસ બાદ કેરી ઓછી આરોગાતી હોય છે.ચાલુ વર્ષે પ્રતિકુળ વાતાવરણનાં કારણે કેરીનું ઓછું ઉત્પાદન થયું છે. તેમજ ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાનાં કારણે કેરીનાં ઉત્પાદને અસર થયાનું મનાઇ રહ્યું છે. પરંતુ દર વર્ષે પ્રતિકુળ વાતાવરણ હોતું નથી. છતા પણ ગીરની કેસર કેરી પોતાનું અસ્તિત્વ ગોમાવી રહી છે. વર્ષો પહેલા જે સ્વાદ અને રંગ હતો તેમાં બદલાવ આવ્યો છે. આના માટે શું પ્રતિકુળ વાતાવરણ જવાબદાર છે ?. કે પછી આપણે પોતે જવાબદાર છીએ ?. તાલાલા ગીરનાં ખેડૂતે કહ્યું હતું કે, કેસર કેરીનું વધુ ઉત્પાદન મેળવવા માટે આડેધડ દવા અને રાસાયણીક ખાતરનો ઉપયોગ થઇ રહ્યો છે. બજારમાં એક લીટરનાં રૂપિયા 2 હજારથી લઇને 5 હજારની દવા મળી રહી છે. આ દવાઓની કંપની વધુ ઉત્પાદનની ખાતરી આપતી નથી. છતા પણ ખેડૂતો બેફામ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. પ્રતિકુળ વાતાવરણથી તો નુકસાન થાય છે જ. પરંતુ દવા અને ખાતરનાં આડેધડ ઉપયોગથી પણ કેસર કેરીનાં પાકને નુકસાન થઇ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દવાનો ઉપયોગ વધ્યો છે. સાથે કેરીને પોતાની અસલ સોડમ પણ ગુમાવી છે.
ગીરમાં જ્યારે આંબે મોર આવતા ત્યારે આ પંથકમાંથી પસાર થતા ત્યારે મોરની સુગંધ આવતી હતી. આજે આ સુગંધ ઓછી થઇ ગઇ છે. તેની પાછળ કેટલાક ખેડૂતો દવાનો ઉપયોગ જવાબદાર હોવાનું માની રહ્યાં છે. ગીરની કેસર કેરીનું અસ્તિત્વ બચાવી રાખવા માટે ખેડૂતોએ પહેલાની માફક જ આંબાની માવજત કરવી પડશે અને વધુ પડતા દવાનાં ઉપયોગથી બચવું પડશે. સરકાર અને બાગાયતી વિભાગે તો ઠીક પરંતુ ખુદ ખેડૂતોએ પણ હવે આત્મચિંતન કરવાનો સમય આવી ગયો છે. ગીરની પ્રખ્યાત કેસરને બચાવવા ખુદ ખેડૂતોએ જ આગળ આવવું પડશે. સરકારે કે બાગાયતી વિભાગ ઉપર આશા રાખવાથી હવે કામ બનશે નહી. ખેડૂતોએ દેખાદેખીમાં થતો દવાનો ઉપયોગ બંધ કરવો પડશે. આંબાની માવજતમાં સુધારો કે ફેરફાર કરવો પડશે. દવાનાં ઉપયોગ છતા કેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. આંબાને શુ જરુર છે તેનો કાળજી ખેડૂતોએ જ લેવી પડશે.
આંબા કાપવાથી વાતાવરણ વધુ ખરાબ થશે
એક તરફ પ્રકૃતિને બચાવવા વૃક્ષોનું વાવેતર કરવાની વાતો થઇ રહી છે.બીજી તરફ આંબાનાં બગીચા કાપવામાં આવી રહ્યાં છે. આંબા કાપવાથી વાતાવરણ વધુ ખરાબ થશે. ખેડૂતોએ અસલ માવજત તરફ પાછા વળવું પડશે. દવાનાં ઉપયોગનાં કારણે સમયાંતરે ઓછું ઉત્પાદન થઇ રહ્યું છે અને ખેડૂતો આંબાનાં વૃક્ષો કાપી રહ્યાં છે. વધુ ઉત્પાદન મેળવવાનાં કુદરતી અને અસરકારક રસ્તા ખેડૂતોએ અપનાવવા પડશે.
- Advertisement -
કેસર કેરી પકવવા માટે દવાનો ઉપયોગ
ચાલુ વર્ષે કેરી પકવામાં મુશ્કેલી પડી છે. સામાન્ય રીતે કેરીને વાતાવરણ જોઇએ તેવું રહ્યું ન હતું. કેરી માટે દિવસે ગરમી અને રાત્રે સુકી ગરમી જેવું વાતાવરણ જોઇએ. તેની સામે ગીરમાં ભેજ વાળુ વાતાવરણ રહ્યું હતું. સવારનાં ઝાંકળ રહેતો હતો.જેના કારણે કેરી પુખ્ત થઇ નથી. પરિણામે કેરી પાકવામાં મોડી થતી હતી. કેરી પકવવા માટે દવાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
મોરની સોડમ ભાગ્યે જ આવે છે
સામાન્ય રીતે ગીરમાં આંબામાં મોર આવતા વિસ્તારમાં મોરની સોડમ આવતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમા ઘટાડો આવ્યો છે. મોરની સોડમ ઓછી થઇ રહી છે.