સ્કૂલોમાં ફી વધારા મામલે NSUIનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર
ફી બાબતે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરો જેથી વિદ્યાર્થીઓના પરિણામ ન અટકે : NSUI
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાલ ધો.1 થી 9 અને ધો.11ની ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી છે પરંતુ રાજકોટમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી કેટલીક ખાનગી સ્કુલોમાં વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા અટકાવી દેવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેને લઈને આજ રોજ વિદ્યાર્થી સંગઠન NSUI એ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે.
NSUI ના શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આવેદન પત્ર પાઠવીને માંગ કરી છે કે, ખાનગી શાળાઓની દાદાગીરીને કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં આત્મહત્યા કરવાના વિચારો આવી રહ્યા છે. જે શિક્ષણ વિભાગ માટે શર્મજનક વાત છે. તાજેતરમાં સાતડા ગામના વિદ્યાર્થીની પરીક્ષા અટકાવી દેતા આત્મહત્યા કરવાનો ઓડીયો ક્લીપ વાઈરલ થયો છે. ગઈકાલે પણ રાજકોટ તાલુકાની મહીકા ગામની નીલરાજ સ્કુલમાં દસથી વધુ વિદ્યાર્થીઓની ફીના વાંકે પરીક્ષાઓ અટકાવવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જરૂરી બન્યું છે કે ખાનગી સ્કુલોની દાદાગીરીને ડામવામાં આવે. અધિકારીઓએ કરવી જોઈએ તેવી કડક કાર્યવાહી કરતાં નથી. જેના કારણે શિક્ષણમાફીયાઓ વાલીઓને હેરાન કરી રહ્યા છે. ન્યાય આપવા માટે શિક્ષણ વિભાગે દાદાગીરી કરતી સ્કુલો પર દંડનાત્મક અને સ્કુલની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાઓ લેવા જોઈએ.
- Advertisement -
NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારો વધતી મોંઘવારી અને બેરોજગારી વચ્ચે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગે ખાનગી સ્કુલ સંચાલકો સાથે મિટીંગ યોજીને ગરીબ વિદ્યાર્થીઓના પરિવારોની વેદના સમજવી જોઈએ.
સ્કુલોના આવા વલણને કારણે કુમળા બાળકોની સીધી ખરાબ અસર તેની માનસિકતા પર પડે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની 4500થી વધુ સ્કુલોમાં અને રાજકોટની 1500થી વધુ સ્કુલોએ FRCમાં 5 થી 15 સુધીનો ફી વઘારો માંગ્યો છે તે બાબતે કોંગ્રેસ પક્ષનું સ્ટેન્ડ વાલીઓની વ્હારે છે અને ફી વધારો ના આપવો જોઈએ તે માંગ લઈને FRC ઓફિસે સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો તમામ જિલ્લા પ્રમુખો અને સિનિયર આગેવાનો સાથે ખુબ મોટો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આગામી પખવાડીયામાં કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયાએ જણાવ્યું છે.