સિઝન જામતા હજુ એક મહિનો લાગશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં બે દિવસથી કેસર કેરીની આવક શરૂ થઇ છે. કેરીનાં એક બોકસનાં ભાવ 1000 થી 1500 રૂપિયા રહ્યાં છે. વાતાવરણની અસરનાં કારણે યાર્ડમાં કેરીની આવક મોડી શરૂ થઇ છે. સિઝન જામતા હજું એક મહિનાનો સમય લાગશે. હાલ જૂનાગઢના ડુંગરપુર વિસ્તારમાંથી કેસર કેરી આવી રહી છે. હજુ સિઝનની શરૂઆત હોય દૈનિક 30 થી 40 બોક્ષ આવી રહ્યા છે. હરરાજીમાં આ 10 કિલોના બોક્ષનો ભાવ રૂપિયા 1,000થી લઇને 1500 સુધીનો બોલાયો છે. હજુ સિઝનની શરૂઆત છે. ફૂલ સિઝન જામી નથી. ફૂલ સિઝનને હજુ 1 મહિનો લાગી શકે છે. આ વખતે કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે આગોતરો માલ બગડી ગયો છે. પાછોતરો માલ સારો આવવાની સંભાવના છે. હજુ ડુંગરપુરમાંથી કેસર કેરી આવી રહી છે. બાદમાં સાસણ, તાલાલા, મેંદરડા,ઉના સહિતના વિસ્તારોમાંથી કેસર કેરીની આવક થશે. આ અંગે મુલચંદભાઇ લાલવાણીએ કહ્યું હતું કે,ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો છે. ગત વર્ષ કરતા કેરીનો પાક ઓછો હોવાની ભાવ સારે રહેશે.
તાઉતે વાવાઝોડાની પણ અસર
કેસર કેરીને વાતાવરણ તો નડી ગયું છે. સતત થયેલા માવઠાં અને યોગ્ય વાતાવરણ ન રહેવાનાં કારણે કેરીની સિઝન નબળી છે. સાથે ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાનાં કારણે આંબાનાં વૃક્ષને ભારે નુકશાન થયું હતું. જેની અસર પણ ચાલુ વર્ષે દેખાઇ રહી છે.