ભવનાથ વેજઝોનની દરખાસ્ત કલેક્ટરને મોકલાઇ
મનપા સ્થાયી સમિતી બેઠકમાં વેજઝોનનો ઠરાવ થયો
- Advertisement -
ટૂંક સમયમાં ભવનાથ ક્ષેત્ર વેજઝોન જાહેર થશે?
ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.11
જૂનાગઢ ગિરનાર અને ભવનાથ પવિત્ર નગરી તરીકેની ઓળખાય છે. ત્યારે ઘણા સમયથી સાધુ-સંતો તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને ધાર્મિક સંસ્થાના આગેવાનો દ્વારા ભવનાથ તળેટી વિસ્તારને વેજઝોન જાહેર કરવાની માંગણી તંત્ર પાસે કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની એક બેઠક મળી હતી જેમાં વિકાસ કામોની સાથે ભવનાથ તિર્થક્ષેત્રને વેજઝોન જાહેર કરવા માટે એક ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાના અઘ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં ભવનાથ વિસ્તારને વેજઝોન જાહેર કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ માટેની દરખાસ્ત આજરોજ કલેકટરને મોકલવામાં આવશે.
- Advertisement -
આ દરખાસ્ત કલેકટરને મોકલ્યા બાદ કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવશે તેમ સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યુ હતુ. ભવનાથ પવિત્ર નગરીને વેજઝોન જાહેર કરવા અનેક લેખીત રજૂઆતો થઇ છે ત્યારે આખરે મનપા તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્ર વેજઝોન જાહેર થાય તે માટે ઠરાવ કરીને પગલા ભરવામાં આવ્યા છે. ત્યારે હવે ટુંકા દિવસોમાં ભવનાથ ક્ષેત્ર વેજઝોન જાહેર થશે. તેમ જાણવા મળી રહ્યું છે. જો કે, વેજઝોન જાહેર કરવા બાબતે અનેક ધાર્મિક સંસ્થાઓ માંગ કરી રહી છે. ત્યારે મહાશિવરાત્રી મેળા પૂર્વે ભવનાથ તળેટીના દત્ત ચોક પાસે જાહેરમાં નોનવેજ બનતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો.
ત્યારે કમંડળકુંડના મહંત મહેશગીરીબાપુએ પણ જણાવ્યુ હતુ કે, અમારી પ્રથમ માંગણી ભવનાથ ક્ષેત્રને વેજઝોન જાહેર કરવાની માંગણી છે. ત્યારે ભવનાથમાં જે રીતે નોનવેજ બનતુ હોવાનો જે વિડીયો વાઇરલ થયો છે તે બાબતનું સમર્થન મળ્યુ છે એટલે હવે વ્હેલી તકે ભવનાથ ક્ષેત્રને વેજઝોન જાહેર થશે તેવું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ સ્થાયી સમિતિની બેઠકમાં વેજઝોન જાહેર કરવાના ઠરાવ સાથે સ્થાયી સમિતિ દ્વારા શહેરના 115 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 15 ઇ-બસ મળશે. આ બસ માટે ઝાંઝરડા ખાતે ઇ-બસ ડેપો અને વર્કશોપ માટેના ટેન્ડરોની શરતો મંજૂર કરવામાં આવી હતી. તેમજ દોલતપરા જકાતનાકા પાસે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મુકવામાં આવશે. તેમ આ સ્થાયી સમિતિમાં શહેરના અલગ-અલગ વિકાસ કામોને વેગ મળે તે માટે રૂા.115 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
ઠરાવનો નિર્ણય આવકાર્ય: મહાદેવભારતી બાપુ
બીજી તરફ આ ઠરાવ બાદ જૂનાગઢના સાધુ-સંતોમાં પણ હર્ષ જોવા મળી રહ્યો છે. ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ બહુ જ સારી વાત છે, પાલિકાને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન. આ પગલું ખૂબ જ જરૂરી હતું કારણ કે ભવનાથ અને ગીરનાર ક્ષેત્ર એ અધ્યાત્મિક ભૂમિ છે. કરોડો લોકોની અસ્થા તેની સાથે જોડાયેલી છે. આ નિર્ણય આવકાર્ય છે. ભારતીય સંત સંઘ અને સમગ્ર સાધુ-સંત સમાજ તરફથી આમે આ નિર્ણયને આવકારીએ છીએ.