રહેવાસીઓને ડરાવવા-ધમકાવવા માટે બિલ્ડરોએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કર્યાંનો આક્ષેપ
લેન્ડ ગ્રેબિંગ અરજીનો જવાબ આપવા રજૂ થયેલા રહેવાસીઓએ જબરો ઉકળાટ ઠાલવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કાલાવડ રોડ પર આવેલી સેરેનીટી ગાર્ડનના રહીશોએ લેન્ડગ્રેબિંગ અરજી અંગે કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું. 190 ફ્લેટધારકોએ ફરિયાદમાં જણાવ્યું કે બિલ્ડરો દ્વારા બ્રોશરમાં જે જગ્યા બતાવવામાં આવી હતી તે આપવામાં આવી નથી, ઉલ્ટાનું બિલ્ડરોએ રહીશો પર લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરવામાં
આવી છે.
વધુમાં સેરેનીટી ગાર્ડન ઓનર્સ એસો. દ્વારા કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે 230 ફ્લેટ ધરાવતી સેરેનીટી ગાર્ડન સોસાયટીના સભ્યો છીએ અને જેઓ ઉપર શુભજીવન ડેવલપર્સ એલ.એલ.પી.ના ભાગીદારો યોગેશકુમાર પ્રવિણભાઈ ગરાળા, પ્રિયંક રમેશભાઈ પાંચાણી, જવાહરભાઈ રામજીભાઈ મોરી, તુલેશકુમાર લીલાધરભાઈ સરોડીયા, ભુપેશ જીવણભાઈ ગોવાણી, ગીરીશ જીવણભાઈ ગોવાણી, કેલ્વીનકુમાર અમૃતલાલ માકડીયા, શિલ્પાબેન જેન્તીલાલ સાપરીયા, વિઠલદાસ હંસરાજભાઈ ભાલોડીયા, દિલીપકુમાર વિઠલદાસ ગોવાણી એટલે કે આ સોસાયટીના બિલ્ડરો- પ્રમોટરો દ્વારા ખોટી રીતે સોસાયટીના 9 સભ્યો ઉપર લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હોય અને જેના નિવેદન માટે મામલતદાર તરફથી બોલાવતા આ બાબત જાણમાં આવેલી છે તેથી આ સમગ્ર બાબતની જાણ કરવી જરૂરી હોય તેમજ ઉપરોક્ત મુજબના બિલ્ડરોએ ભાગીદારી પેઢી વતી એ.ઓ.પી. કરી આપી હતી
પરંતુ હાલ ભાગીદારી પેઢીમાં ફેરફાર કરેલો હોય તો તે રહેવાસીઓની જાણમાં નથી. વધુમાં સેરેનેટી ગાર્ડન સોસાયટીના પ્રોજેકટનું નિર્માણ શુભજીવન ડેવલોપર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો કરવામાં આવેલું છે અને કુલ 8 વીંગ એથી એચ.નો તેમાં સમાવેશ થાય છે અને કુલ 8 વીંગમાં 230 ફ્લેટ બનાવવામાં આવેલા છે જેમાં આશરે હાલ 180 જેટલા પરિવારો રહે છે અને જેમાં વિંગ વાઈઝ અલગ અલગ એ.ઓ.સી. બિલ્ડર-પ્રમોટર દ્વારા બનાવી આપ્યા છે અને બાદમાં કોમન મેઈન્ટેનન્સ માટેનું એક રજીસ્ટર એ.ઓ.પી. બનેલું છે જે સમગ્ર સોસાયટીનું સંચાલન કરે છે.
- Advertisement -
આ પ્રોજેક્ટના બિલ્ડર-પ્રમોટર દ્વારા જ્યારે આ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવેલો ત્યારે સોસાયટીમાં કોમન એમિનીટી માટે અલગથી 1400 વાર જગ્યા રાખેલી હતી તેમજ સેન્ટરમાં ગાર્ડનની સુવિધા આપવામાં આવેલી હતી અને આ 1400 વાર જગ્યામાં કલબ હાઉસ બનાવવાનું હતું જેમાં જીમ, ગેમઝોન, કોમન ગાર્ડન, ટેનીસ કોર્ટ, વોલીબોલી કોર્ટ તથા અન્ય ગેમ માટેની સુવિધા આપવાની હતી જે તેઓએ પોતાના બ્રોશરમાં પણ જણાવેલી હતી.
બિલ્ડરોએ પ્લાનમાં જે જગ્યા બતાવી હતી તે આપી નહીં હોવાનો રહીશોનો આક્ષેપ
સેરેનિટી ગાર્ડનના બિલ્ડરોની લુખ્ખી દાદાગીરી: 190 ફ્લેટધારકો કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા
તેમજ આ ચાલુ પ્રોજ્કટ દરમિયાન રિયલ એસ્ટેટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 2016(રેરા) અમલમાં આવતા બિલ્ડર દ્વારા આ પ્રોજેક્ટની નોંધણી રેરામાં કરાવી અને આ સુવિધા આપવા સાથેના પ્લાન તથા બ્રોશર રેરાની સાઈટ ઉપર પણ અપલોડ કરેલું છે છતાં આપવામાં આવી નથી. બાદમાં આ પ્રોજેક્ટ જેમ જેમ પૂર્ણતાના આરે આવેલું અને સભ્યોને ફ્લેટના દસ્તાવેજ કરવામાં આવેલા ત્યારે પણ દરેક સભ્યોને જે સુવિધા આપવાની હતી તેના માટે બિલ્ડર દ્વારા જ એ.ઓ.પી. બનાવેલી છે તેમાં તેઓએ ઉલ્લેખ કરાવી માલિકીના દસ્તાવેજ તથા એ.ઓ.પી. રજીસ્ટર કરાવી આપેલો છે પરંતુ આ પ્રોજેકટમાં જે કોમન એમેનિટીઝ માટેની જે 1400 વાર જમીનમાં કલબ હાઉસ અને ઈનડોર, આઉટડોરની જે સુવિધા આપવાની હતી તે આપી નથી. બાદમાં સોસાયટીની સભ્યો દ્વારા બિલ્ડર્સ સાથે આ બાબતે ઘણા બધા વિવાદો ઉભા થયા અને બિલ્ડરને રજૂઆતો પણ કરવામાં આવી અને સોસાયટીના સભ્યોએ બિલ્ડર વિરૂદ્ધ લીગલ કાર્યવાહી કરવાનું નક્કી કરતાં અંતે તેઓએ ટેમ્પરરી સોસાયટીના આ વિવાદો ટાળવા અને પોતાનો બચાવ કરવા માટે આ પ્રોજેક્ટને લાગુ 456 વાર જેટલી પ્રાઈવેટ જમીન દસ્તાવેજથી ખરીદ કરી અને એક કલબ હાઉસનું નિર્માણ કરવાનું નક્કી કર્યું અને બાદમાં તેનો દસ્તાવેજ સોસાયટીને કરી આપ્યો હતો.
વધુમાં પાર્કીંગ, સોફટનર, સ્કૂલ બાળકો માટે પીક-અપ – ડ્રોપ સ્ટેન્ડ તથા 456 વારના કલબ હાઉસમાં જીમ, થિયેટર, હોલ જે મુજબ સમાવેશ થાય છે તે મુજબ કરી આપી સોસાયટી સાથે કોઈ લીગલ ઈસ્યુ ન થાય તે માટે આ મિલકતને સોસાયટીને વાપરવા માટે તેનો કબજો સોંપી આપેલ અને તેનો બિલ્ડર દ્વારા એ.ઓ.પી.માં પેરા નં. 24માં સ્પષ્ટતાપૂર્વક કરી આપેલ છે.
બાદમાં સોસાયટી દ્વારા બિલ્ડર્સ- પ્રમોટરને આ મિલકત સંપૂર્ણરીતે તૈયાર થયે સોસાયટીના બનેલ એસોસિએશન જોગ દસ્તાવેજ કરી આપવાનું કહેતા તેઓએ તેમની ભાગીદારી પેઢીના ભાગીદારોના અંદરોઅંદરના વિવાદને કારણે કોઈને કોઈ રીતે સમય પસાર કરવો હોય તે રીતે સોસાયટીને ખોટા બહાનાઓ આપીને મનાવવાના પ્રયાસો કર્યા હોય પરંતુ બાદમાં લાંબો સમય પસાર થતાં રેરાની જોગવાઈ અમલી કરવા માટે સોસાયટી પાસે અન્ય કોઈ રસ્તો ન હોય જેથી નાછુટકે સમય મર્યાદામાં બિલ્ડર- પ્રમોટર વિરૂદ્ધ રેરા એક્ટની જોગવાઈને આધીન રેરામાં અપીલ કરી છે જે અપીલ અરજી હાલ રેરામાં પેન્ડીંગ છે. આમ બિલ્ડરો દ્વારા હેરાનગતી કરવામાં આવી રહી છે.
વધુમાં હાલ બિલ્ડર-પ્રમોટર દ્વારા તેમના દ્વારા કરવામાં આવેલા દબાણના પ્રયાસો નિષ્ફળ રહેતા તેઓએ સોસાયટીના કુલ 9 સભ્યો પ્રકાશભાઈ બી. જાગાણી, ચંદ્રેશભાઈ વી. ઉધરેજા, વજુભાઈ એચ. દેપાણી, દિપકભાઈ એમ. કથીરીયા, અનિલભાઈ સી. પારેખ, રમેશભાઈ એમ. આંદીપરા, અતુલભાઈ આર. જાગાણી, અશોકભાઈ વી. ટીલવા, તનુજભાઈ પટેલ વગેરેએ બિલ્ડરની માલિકીની કલબ હાઉસની મિલકતનો ગેરકાયદેસર કબજો કર્યો છે બિલ્ડરોને ગાળો આપી ધમકીઓ આપી છે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ઓનલાઈન અરજી કરી છે જે બાબતે મામલતદાર તરફથી નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે.
વધુમાં જણાવવાનું કે આ લેન્ડગ્રેબિંગ અંગેની અરજી જે લોકો કમિટીમાં અને લીગલ કાર્યવાહી કરી રહી છે તે અને જેઓ સોસાયટીના એસોસિએશનનું સંચાલન કરે છે તેવા જુદા જુદા 9 સભ્યોને ડરાવવા અને આ રેરાની પરત ખેંચવાના નિરર્થક પ્રયાસો કરી રહેલ છે. બિલ્ડર દ્વારા આ ખોટી અરજીઓ કરી અને વારંવાર ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બિલ્ડરો દ્વારા કરવામાં આવેલી લેન્ડગ્રેબિંગ અરજી અન્વયે લઈ લેવા સેરનીટી ગાર્ડન ઓનર્સ એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના સભ્યો દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ છે.