મૃત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓને નાણાકીય સહાય માટે એક માત્ર વેલફેર ફંડની સુવિધા એ તેમની આર્થિક સુવિધાનો આધાર છે: જે. જે. પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના વર્ષ 2024-25ના બજેટમાં રૂપિયા પાંચ કરોડ વેલ્ફેર ફંડમાં ફાળવવા ભારતીય જનતા પાર્ટી વકીલ સેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં
આવી છે.
આ અંગે ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના ક્ધવીનર જે. જે. પટેલે જણાવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા 1,20,000 ધારાશાસ્ત્રીઓ ન્યાયતંત્ર સાથે તાલથી તાલ મિલાવી લોકઅદાલત, મીડીએશન, પ્રિલીટીગેશનના માધ્યમ દ્વારા પક્ષકારોને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવાના સરકારના અભિગમને પરિપૂર્ણ કરવા માટે હરહંમેશ હકારાત્મક કામગીરી કરી રહ્યા છે તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એડવોકેટ્સ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ મૃત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓને નાણાંકીય સહાય માટે એક માત્ર વેલ્ફેર ફંડની સુવિધા એ તેમનો આર્થિક સુરક્ષાનો આધાર છે.
ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાતના 1,20,000 ધારાશાસ્ત્રીઓના કુટુંબ કલ્યાણ માટે દર વર્ષે રૂપિયા પાંચ કરોડ બજેટમાંથી વેલ્ફેર ફંડમાં ફાળવવામાં આવે છે. તે મુજબ ગુજરાતના ધારાશાસ્ત્રીઓના કુટુંબની આર્થિક સલામતી માટે સને 2024-25ના નાણાંકીય વર્ષમાં પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડમાં રૂપિયા પાંચ કરોડ ફાળવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા કાયદા મંત્રી રૂષિકેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના ક્ધવીનર જે. જે. પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.