એક મહિનાથી બંધ રોડ પર હવે ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત: ધારાસભ્ય અમૃતિયાએ આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
મોરબી શહેરના મુખ્ય માર્ગો પૈકીનો એક એવો વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડનું કામ એક મહિનાના લાંબા સમય બાદ પૂર્ણ થઈ ગયું છે. કામગીરીના કારણે બંધ કરવામાં આવેલો આ રોડ આજે સત્તાવાર રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, આ રોડનું કામ 25 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને 25 જુલાઈ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી. જોકે, વરસાદ અને પાઇપલાઇનની સમસ્યાઓના કારણે કામગીરી થોડી મોડી પડી હતી. રોડનું કામ ચાલુ હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક રૂટ પર જવું પડતું હતું, જેના કારણે દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ રોડના કામનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવતું હતું. નવા રોડ બનવાથી હવે પાણી ભરાવાની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.
- Advertisement -
ધારાસભ્ય અમૃતિયાએ આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી
આ પ્રસંગે ધારાસભ્ય અમૃતિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 2 ઓગસ્ટે મોરબીમાં કુલ 11 વિકાસ કાર્યોનો પ્રારંભ થશે, જેનું ખાતમુહૂર્ત શનાળામાં આવેલી પટેલ સમાજની વાડીએથી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, વિજય ટોકીઝ રોડનું કામ પૂર્ણ થયા બાદ હવે ચિત્રકૂટ પાસેના રોડનું કામ શરૂ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વારાફરતી એક-એક રોડનું કામ હાથ ધરાશે. અમૃતિયાએ ખાતરી આપી હતી કે, કામની ગુણવત્તા જરા પણ નબળી નહીં હોય. આગામી એક વર્ષમાં રોડ, બગીચા સહિતના 50 થી 60 કામો પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, રવાપર કેનાલને પણ રૂ. 45 કરોડના ખર્ચે 3 કિલોમીટર સુધી ઢાંકી દેવામાં આવશે, જેનાથી શહેરીજનોને વધુ સુવિધા પ્રાપ્ત થશે.