ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢીયા પુલના નવીનીકરણ માટે 74.32 કરોડના ખર્ચે કામ શરૂ કરાયું છે. સાંઢીયા પુલના નવીનીકરણને લઈને હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર લેન બ્રિજ બનાવાઈ રહ્યો છે ત્યારે આ કામ લાંબા સમયથી ગોકળ ગાય ગતિએ ચાલી રહ્યું હોય એવું સ્પષ્ટ જણાય છે કારણ કે, એક બાજુથી કામ હાલ ઠપ્પ કરી દેવામાં આવ્યું છે.
હાલ રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ઝોન રેલવેમાં બોમ્બે પાસેથી હાલ મંજૂરી મળી જાય પછી કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે પરંતુ, મંજૂરી બાબતે ત્રણથી ચાર મહિના ઉપર સમય થવા છતાં હજુ રેલવે બાબુઓની આડોળાઈને કારણે હાલ તો આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવેલ છે.
- Advertisement -
રેલવેની મંજૂરી મળ્યા બાદ PGVCLનું કામ આગળ વધી શકે એમ છે જે પગલે હજારો લોકોને આ અંગે વધુ સમય સુધી હાડમારી વેઠવી પડે એવા સંજોગો ઉભા થયા છે. રેલવેના કારણે PGVCLનું કામ પણ હાલ ટલ્લે ચડ્યું છે. અહીંથી નીકળતી 11 કે.વી.ની લાઈન રેલવેના બ્રિજ નીચેથી પસાર કરવા માટે રેલવે પાસે PGVCL દ્વારા મંજૂરી માંગવામાં આવી છે તે હજુ સુધી મળી નથી એવું જાણવા મળેલ છે. આ બ્રિજ ન થાય ત્યાં સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) ની 600 બસોને 4-5 કિલોમીટર શહેરમાં ફરવું પડે છે. જે પગલે આ બસમાંના તમામ મુસાફરોને મુસાફરી ભાડામાં વધુ ડામ ચૂકવવો પડે છે.આ અંગે જિલ્લા કલેકટર રાજકોટ દ્વારા તારીખ 29/5/2023ના સીએમ સેલ જિલ્લા સ્વાગત માર્ચ રજીસ્ટર 15/2023ના પત્રથી ભાડા ઘટાડવા બાબતે એસ.ટી નિગમને લેખિત આદેશ કરવા છતાં આજની તારીખે કોઈ જાતનો ભાડા ઘટાડો કરવામાં આવેલ ન હોવાથી મુસાફરોને ફરજિયાત સમય અને નાણાંનો બરબાદ થાય છે અને રાજકોટ શહેરમાં આ બસો પ્રદૂષણ ફેલાવે છે.
રાજકોટ મહાનગરપાલિકાએ આ અંગે બ્રિજનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાની જે લોકોને બાંહેધરી આપી છે તે પૂર્ણ થશે કે કેમ તે એક શંકા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી આ સાંઢીયા પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવા લેખિતમાં અપીલ કરી છે.