ખાસ-ખબર સંવાદદાતા
કેરળ સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ રાજયમાં લગ્નની નોંધણી વખતે હવે રજીસ્ટ્રાર પતિ-પત્નિને તેમના ધર્મ વિશે પૂછી શકશે નહિં. યુગલ પાસેથી માત્ર ઉંમર અને લગ્નના પુરાવા માંગવામાં આવશે. ગયા વર્ષે કેરળ હાઈકોર્ટનાં આદેશ બાદ સરકારે આ પરિપત્ર જારી કરવો પડયો હતો.કોર્ટે બે અલગ અલગ ધર્મના યુગલને લગ્નની નોંધણીની પરવાનગી આપી હતી.
વાસ્તવમાં રજીસ્ટ્રારે ધર્મનો હવાલો આપીને નોંધણી કરવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
ગયા વર્ષે ઓકટોબરમાં લાલન અને આયેશા પોતાના લગ્નની નોંધણી માટે કોચી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફીસે પહોંચ્યા હતા.સ્થાનિક રજીસ્ટ્રારે ડોકયુમેન્ટ વેરિફીકેશન કર્યા બાદ નોંધણી કરાવવાની ના પાડી દીધી હતી.
- Advertisement -
રજીસ્ટ્રારે કહ્યું કે છોકરીની માતા હિન્દુ છે. જયારે પિતા મુસ્લીમ છે અને છોકરીએ હિન્દુ સાથે લગ્ન કર્યા છે.જોકે દંપતીએ કહ્યું કે તેઓએ હિન્દૂ રિત રિવાજો સાથે લગ્ન કર્યા છે અને એકજ ધર્મનું પાલન કરી રહ્યા છે.લગ્નનું પ્રમાણપત્ર ન મળતાં દંપતીએ રજીસ્ટ્રાર સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. લાલન અને આયેશાની અરજી પર સુનાવણી કરીને કેરળ હાઈકોર્ટે 12 ઓકટોબર 2022 ના રોજ આદેશ આપ્યો હતો કે કેરળ મેરેજ એકટ 2008 હેઠળ યુગલને લગ્નની નોંધણી માટે ફકત એટલા માટે નકારી શકાય નહિ કે તેમાંથી કોઈ એકતા પિતા અથવા માતા અલગ ધર્મના છે.
જસ્ટીસ પીવી કૂન્હિક્રિશ્ર્નને ચુકાદામાં કહ્યું હતું કે ગેઝેટેડ અધિકારી, સંસદસભ્ય, ધારાસભ્ય અથવા કોઈપણ સ્થાનિક સંસ્થાના સભ્ય દ્વારા નિયમો હેઠળ યુગલને લગ્ન માટે મંજુરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં જો યુગલનો ધર્મ અલગ હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્રને નકારી શકાય નહિં. ત્યારબાદ રાજય સરકારે પરિપત્ર જાહેર કરીને રજીસ્ટ્રારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ લગ્નના પ્રમાણપત્ર માટે તેમની પાસે આવતા લોકો પાસેથી ધર્મ અથવા જાતિ સંબંધીત દસ્તાવેજો ન માગે, પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આદેશ વિરૂદ્ધ જવા બદલ કાર્યવાહી થઈ શકે છે.