બસો રાશન કીટ, તાલપત્રી અને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.
પરિસ્થિતિ ખૂબ ખરાબ : લોકોએ સડી ગયેલું અનાજ ફેંકી દીધું: રસ્તા પર ઠેરઠેર પ્રાણીઓના મૃતદેહ
કુદરતી આપત્તિઓમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તાજેતરના અણધાર્યા વરસાદના કારણે સર્જાયેલી જળ હોનારતના પગલે જામનગર જિલ્લાના અલીયાબાડા ખાતે રાહત કામગીરી હાથ ધરાઈ હતી.
- Advertisement -
રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ સ્વામી પ્રભુસેવાનંદજી અને પૂર્ણરૂપાનંદજી તથા સ્વયંસેવકોની ટીમ મંગળવારે બપોરે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા પહોંચી ત્યારે ઠેર ઠેર કાદવ-કીચડ હતો. લોકોએ સડી ગયેલુ અનાજ ફેંકી દેવું પડયું હતું.અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ જમીન પર બેસી શકે એવું પણ નહોતું તેથી શેત્રંજી તરીકે ૨૦૦ નંગ પ્લાસ્ટીકની તાલપત્રી, બધું પૂર્વવત્ થાય ત્યાં સુધી ભોજન માટે ૨૦૦ ફૂડ પેકેટ અને ૨૦૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આશ્રમનો આભાર માનતા જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ આ ગામ સુધી આવ્યું નથી. અન્ય નાનાં ગામો ની હાલત તો આથી પણ બદતર છે.
હજુ અલિયાબાડાના લોકો પાસે પહેરવા માટેના કપડા પણ બચ્યા નથી. તેથી બુધવારે સવારે વધુ એક ટીમ જુના કપડા, બ્લેન્કેટ વગેરે લઈને રવાના થશે. જે લોકો પોતાનાં જૂનાં વસ્ત્રો આપવા માગતા હોય એ બુધવાર તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ સવારે દસ વાગ્યા સુધીમાં રામકૃષ્ણ આશ્રમના કાર્યાલયમાં જમા કરાવી શકશે તેમ અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે.