મેહુલિયો અંતે આવી પહોંચ્યો’ને રોડ રસ્તા તરબતર થઈ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં શુક્રવારે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને મોરબીના લોકોએ પણ મોસમના પહેલા વરસાદને વધાવ્યો હતો. મોરબીવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજા કેટલાય દિવસથી હાથતાળી દઈને નીકળી જતા હતા જો કે લાંબી રાહ જોવડાવ્યા બાદ શુક્રવારે સાંજે મેઘરાજાએ મન ભરીને ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને શહેરના રોડ રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા.
- Advertisement -
મોરબીમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અસહ્ય બફારો અને ઉકળાટ વચ્ચે શુક્રવારે સાંજના છએક વાગ્યાના અરસામાં આકાશમાં ઘટોટપ કાળા ડિબાંગ વાદળોની જમાવટ થતા જ મેઘરાજા મન મુકીને તેજ પવન સાથે વરસી પડ્યા હતા. મોરબી શહેરમાં સતત અડધો’ક કલાક વરસાદ વરસતા મોરબી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા અને આખા શહેરને અડધી કલાક સુધી ધોધમાર સ્વરૂપે મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. મોરબી શહેરમાં જે રીતે વરસાદ થયો તેના કારણે વાતાવરણમાં પણ જોરદાર ઠંડક પ્રસરી હતી અને મોરબીવાસીઓ પણ સીઝનના પ્રથમ વરસાદની મજામાણવા રસ્તાઓ પર નીકળી પડ્યા હતા.