પ્રારંભના પહેલા જ દિવસે 800 મુસાફરોએ સિટી બસ સેવાનો લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં ટ્રાફીકની સમસ્યાને કારણે વાહનોમાં ઇંધણનો વધુ વપરાશ થતાં આર્થિક બોજો વધી રહ્યો છે ત્યારે આ સમસ્યા સામે મુક્તિ આપવા પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ સૌથી ઉપયોગી સેવા છે પરંતુ મોરબી શહેરમાં આં સેવા કોઈના કોઈ કારણસર સફળ થઈ શકી નથી. ભૂતકાળમાં પાલિકા દ્વારા સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ખર્ચ વધી જતાં ખાનગી એજન્સીને સોંપી દેવાયો હતો. દોઢ વર્ષ પહેલાં પાલિકા દ્વારા ખાનગી એજન્સીને સિટી બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે પાલિકામાં વહીવટદાર શાસન આવ્યું અને વહીવટદારે પાલિકા પાસે સિટી બસનો ખર્ચ પોસાતો ન હોવાનું કારણ આપી આ સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી હતી ચાર મહિના સુધી આં સેવા બંધ રહ્યા બાદ ફરી વાર ખાનગી એજન્સી અને પાલિકાના વહીવટદાર વચ્ચે બેઠકનો દૌર શરૂ થયો અને તા. 01 સપ્ટેબરથી ફરી સિટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
- Advertisement -
જેથી ગઈકાલે મોરબી પાલિકાના સિટી બસ સ્ટેશનથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના પાલિકાના અધિકારી કર્મચારીઓની હાજરીમાં સિટી બસ સેવાનો સવારે 10 વાગ્યે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોરબી શહેરમાં 8 ખાનગી એજન્સીની અને 3 મોરબી પાલિકાની એમ કુલ 11 બસ અલગ અલગ રૂટથી શરૂ કરવામાં આવી છે જેમાં લજાઈ, ઘુંટું, રફાળેશ્વર, ધરમપુર તેમજ શહેરી વિસ્તારમાં દર અડધી કલાક એમ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. હાલ શહેરી વિસ્તારમાં લોકોને રુ. 5 ભાડું જ્યારે ઈન્ડસ્ટ્રી અને ગ્રામ્ય વિસ્તારમાં 10 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે જ સિટી બસનો 800 થી વધુ લોકોએ લાભ લીધો હતો અને રુ. 7000 થી વધુની આવક થઈ હતી.