રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાનું દશેરા રેલીમાં સંબોધન : શસ્ત્રપૂજન કર્યુ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર સામે લાલબત્તી : કટ્ટરવાદી માનસિકતા દુર ન થાય ત્યાં સુધી લઘમુતીઓ સુરક્ષિત નહીં બની શકે : ગડકરી, ફડણવીસ સહિતના નેતાઓ હાજર
- Advertisement -
વિશ્ર્વસ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે છતાં અનેક પડકારો : વિઘ્ન સંતોષીઓ વિક્ષેપ સર્જતા હોવાની ટકોર : યુવા પેઢીને નશામુકત રાખવી પડશે : ગણેશોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં હુમલા વિશે ગર્ભિત ઇશારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના મોહન ભાગવતે આજે દશેરા રેલીના કાર્યક્રમને સંબોધતા કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર થઇ રહ્યા છે. દુર્બળ રહેવું એ પણ એક અપરાધ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દશેરા રેલીનું ખાસ મહત્વ હોય છે આજે દશેરાના અવસરે પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજન કર્યા બાદ ઉપસ્થિત સ્વયંસેવકોને સંબોધન કરતા અહિલ્યાબાઇ હોલ્કર તથા દયાનંદ સરસ્વતીના દેશ સેવાના કાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે અહિલ્યાબાઇ વિપરીત પરિસ્થિતિમાં રાજ ચલાવીને રણનીતિક કૌશલ્યનો પરિચય આપે છે.
તેઓએ કહ્યું કે, પરિસ્થિતિ કયારેક સારી હોય તો કયારેક પડકારજનક હોય છે. ભૌતિક રીતે માનવજગત અગાઉની સરખામણીએ વધુ ખુશ છે છતાં ભૌતિક સુખ વચ્ચે પણ માનવીય સંઘર્ષ જારી છે ઇઝરાયેલ તથા હમાસ વચ્ચે જે યુધ્ધ ચાલી રહ્યું છે તે ચિંતાજનક છે. આ યુધ્ધનો વ્યાપ કેવો રહેશે, કેવો વળાંક ચાલશે અને અન્યો પર તેના કેવો પ્રભાવ પડશે તે ચિંતાની વાત છે.
- Advertisement -
દેશના દુશ્મનો-ગદ્દારો તરફ ઇશારો કરતા સંઘ વડાએ કહ્યું કે, ભારત સતત આગળ વધી રહ્યો છે પરંતુ જયારે કોઇપણ દેશ આગળ વધતો હોય ત્યારે તેમાં વિઘ્ન નાખનારા પણ ઘણા લોકો હોય છે. બીજા દેશોની સરકારોને નબળી પાડવાની દુનિયાભરમાં ચાલતુ જ હોય છે.
ભારતના પાડોશમાં આવેલ બાંગ્લાદેશનું ચિત્ર નજર સામે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા-અત્યાચારો થયા છે.
કટ્ટરપંથી માનસિકતા હશે. ત્યાં સુધી માત્ર હિન્દુઓ પર જ નહીં પરંતુ અન્ય લઘુમતીઓ પર પણ આવા અત્યાચારોનો ઘટનાક્રમ જારી રહેવાનો ખતરો રહેશે.
તેઓએ તાજેતરમાં કેટલીક તણાવ સર્જનારી ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગણેશોત્સવ દરમ્યાન કેટલાક સ્થળોએ પથ્થરમારા થયા હતા. આ હુમલા પાછળ કારણો બહાર આવી શકયા નથી. વહીવટી તંત્ર સરકારોને આકરી કાર્યવાહી કરવી પડશે. કેટલાક કિસ્સામાં કાર્યવાહી થઇ છે. અનેકમાં નથી થઇ ગુંડાગીરી ચાલી ન શકે, ચલાવી પણ ન શકાય લોકોને પોતાના અધિકારોનું રક્ષણ કરવાનો અધિકાર છે. લોકોની રક્ષા કરવાનું પોલીસનું કર્તવ્ય છે. તેઓએ કહ્યું કે આતંકવાદનું મુળ કટ્ટરવાદી વિચારધારા છે. હિન્દુઓએ સંગઠિત થવું પડશે. ભારતની વિવિધતા જ મોટી તાકાત છે અને સમાજના તમામ વર્ગોએ એક રહેવું પડશે. યુવા પેઢીને નશાથી મુકત રાખવી પડશે.
વિશ્વસ્તરે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. છતાં ઘણા પડકારો છે તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.
દશેરા રેલીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઇસરોના પૂર્વ પ્રમુખ કે.સિવાન વગેરે પણ હાજર હતા.