બનાસકાંઠામાં ભારે વરસાદ: હાઇવે જામ, શાળાઓ બંધ, દુકાનોમાં પાણી, જનજીવન ખોરવાયું
ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ઑરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર-હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. વર્તમાન સ્થિતિને પગલે બનાસકાંઠા કલેક્ટરે પ્રાથમિક સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરી છે. દરમિયાન હવામાન વિભાગે સાબરકાંઠાથી લઈ દ્વારકાના પટ્ટામાં બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાલનપુર-અમદાવાદ હાઇવે પર ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે, ધાનેરા, પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. જેના પગલે કેટલીક દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
બનાસકાંઠાના ધાનેરામાં 4.6 ઈંચ, વડગામમાં 3 ઇંચ,દાંતીવાડામાં 2.8 ઇંચ, પાલનપુરમાં 2.3 ઇંચ, ડીસામાં 2.1 ઇંચ, અમીરગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દીયોદર 17 મિ.મી., થરાદમાં 14 મિ.મી., દાંતા 14 મિ.મી., લાખણીમાં 14 મિ.મી., વાવમાં 13 મિ.મી., ભાભરમાં 11 મિ.મી., કાંકરેજમાં 9 મિ.મી., સુઇગામમાં 9 મિ.મી. વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં વડગામમાં 7 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચ, ધાનેરામાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ડીસામાં 22 મિ.મી., થરાદમાં 3 મિ.મી., કાંકરેજમાં 2 મિ.મી., દાંતામાં 1 મિ.મી. અને અમીરગઢમાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે ગોઠણસમા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હાઇવે પર ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.જેના કારણે વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા અને મુસાફરો ભારે મુશ્ર્કેલીમાં મુકાયા હતા. અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદ જતા વાહનચાલકોને ભારે મુશ્ર્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં એક તરફના માર્ગ ઉપર નાના વાહનો ચાલતા જોવા મળી રહ્યા છે, પરંતુ કેટલાક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા છે. આના લીધે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે.
- Advertisement -
દુકાનોમાં પાણી ભરાતાં વેપારીઓને નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ધાનેરા શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ થતાં ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે, જેના લીધે વેપારીઓને ભારે નુકસાન થયું છે. દુકાનોમાં ચાર-ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં માલસામાન પલળી ગયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, એમઆરઆઇ અને એક્સ-રે જેવા મશીનો પણ પાણીમાં પલળી ગયા છે, જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પાલનપુરમાં પણ ડેરી રોડ પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન થયું છે.