NDRF અને SDRFની ટીમોને અનેક જિલ્લામાં તૈનાત કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગે સાઉથ કોંકણ, ગોવા અને સાઉથ સેન્ટ્રલ મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ નોર્થ સેન્ટ્રલ, પૂર્વ વિદર્ભ અને પશ્ર્ચિમી વિદર્ભમાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. વરસાદના કારણે રાજ્યની નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. NDRF અને SDRFની ટીમોને અનેક જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. કોલ્હાપુરની પંચગંગા નદી જોખમના નિશાનથી માત્ર 7 ફૂટ નીચે છે.
- Advertisement -
કોલ્હાપુરના સિરોલ તહસીલમાં NDRF ની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કોલ્હાપુર જિલ્લામાં વર્ષ 2019 અને 2021માં ભયંકર પૂર આવ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પૂણે માટે 7 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં તેલંગાણામાં ભારે વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં પણ અહીં સારો વરસાદ થશે.
આ ઉપરાંત કર્ણાટક, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસો સુધી કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કર્ણાટકના કિનારાના ક્ષેત્રોમાં પણ વરસાદ પડશે. ગુરૂવારે દિલ્હીમાં ગાજ-વીજ સાથે હળવો વરસાદ પડશે તેથી દિલ્હીમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે.