શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા બાદ જૂના મકાનની જગ્યાએ જ નવો બંગલો બનાવ્યો, શહેરની ભાગોળે એક આલિશાન ફાર્મ હાઉસ પણ ખરીદી લીધું હોવાની ચર્ચા
કોંગ્રેસ-આપ બે વર્ષમાં કરોડપતિ થઈ ગયેલા વિક્રમ પુજારા અને તેના પરિવારની સંપત્તિની તપાસ કરવા માટેની માંગ કરશે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એકસમયના વિવાદાસ્પદ ચેરમેન રહી ચૂકેલા કિરીટ પાઠક, મુકેશ દોશી, અતુલ પંડિતને પણ સારા કહેડાવે એવા વિક્રમ પુજારાએ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે, આજથી બે વર્ષ પૂર્વે શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા ત્યારે વિક્રમ પુજારા પાસે પોતાના મકાનમાં કલર કરવા માટે પણ પૈસા ભેગા કરવામાં ફાફા પડતા હતા. શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા બાદ તેઓએ પોતાના મકાનનું રિનોવેશન કરવાના નામે આલિશાન બંગલો બનાવ્યો છે એટલું જ નહીં પરંતુ શહેરની નજીકમાં એક ફાર્મ હાઉસ પણ ખરીદી લીધું હોવાની ચર્ચા છે. આ અંગે શિક્ષણ સમિતિના સભ્યોમાં ગણગણાટ ચાલ્યો છે કે, પુજારાએ એવો ક્યો ધંધો શરૂ કરી દીધો છે કે તેમની આવકમાં વિક્રમજનક વધારો થયો છે?
શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા પાસે આવકથી વધુ સંપત્તિ હોવાના આક્ષેપ શરૂ થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમના સાથીઓ જ સવાલ ઉઠાવી રહ્યા છે કે, પક્ષથી લઈ સૌને અંધારામાં રાખીને વિક્રમ પુજારાએ શિક્ષણ સમિતિમાં એવા ક્યાં મોટા ખેલ પાડી વહીવટી કરી લીધા છે કે રાતોરાત તેઓ રોડપતિમાંથી કરોડપતિ બની ગયા છે? અલબત્ત વિપક્ષ પણ આ મામલે ક્યાં કારણોસર મૌન છે. શું તેની પણ કોઈ મિલિભગત છે કે કેમ? કોંગ્રેસ-આપ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અને તેના પરિવારના સભ્યોની સંપત્તિની તપાસ કરાવી તેઓ પાસે આવકથી કેટલા પ્રમાણમાં વધુ સંપત્તિ છે તે જાહેર કરવું જોઈએ. આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તો સાગઠિયા જેવા અન્ય ભ્રષ્ટાચારીઓની પણ શાન ઠેકાણે આવશે એવું કહેવાય છે.
ક્લાર્કની ભરતી પ્રક્રિયામાંથી મલાઈ ન નીકળતાં વિક્રમ પુજારાએ હવનમાં હાડકાં નાખવા જેવું કામ કર્યું
શિક્ષણ સમિતિમાં વર્ષોથી ન થયેલી ક્લાર્કની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામા આવી છે પરંતુ આ ભરતી પ્રક્રિયા દરમિયાન ચેરમેન વિક્રમ પુજારા હવનમાં હાડકાં નાખી રહ્યા છે. એવું કહેવાય છે કે, તેઓને ક્લાર્કની ભરતીમાંથી પણ મસમોટી રકમ કટકટાવી છે પણ તેમનો ખેલ ઊંધો પડી જતા હવા તેઓ યેનકેન પ્રકારે ભરતી પ્રક્રિયા ગોકળગાય ગતિએ આગળ વધે એવા પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં જ વિક્રમ પુજારા ક્લાર્કની ભરતી પ્રક્રિયા બિનજરૂરી હોવાનું કહી શહેર ભાજપ પ્રમુખ પાસે દોડી ગયા હતા. જોકે શહેર ભાજપ પ્રમુખે તેઓને ઠપકો આપી ક્લાર્કની ભરતી પ્રક્રિયા તત્કાળ આગળ ધપાવવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાતોરાત આવેલા પૈસા પચાવી ન શકતા અહંકારી બની ગયેલા વિક્રમ પુજારા જ્યાં-ત્યાં બફાટ કરી સારા-નરસાનો ભેદ ભૂલી માત્ર તેઓને ફાયદો થાય તેવા જ કાર્યોમાં રસ દાખવી રહ્યા છે.