વાંધા-સૂચન ઑનલાઈન કરવાની લાંબીલચક પ્રક્રિયા સરળ કરવા માંગ
વાંધા-સૂચનોની મુદ્દત વધારવા અને ઑફ્ફલાઈન લેવા આવેદન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા મુસદ્દારૂપ જંત્રી 2024ની વાંધા-સૂચનની ઓનલાઈન પ્રક્રિયા લાંબીલચક અને ખૂબ જ આકરી જણાતા તે પ્રક્રિયાને સરળ કરવા માટે તેમજ વાંધા-સૂચનો આપવાની મુદત વધારવા, ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરવા તેમજ મુસદ્દારૂપ જંત્રી 2024માં ધ્યાને આવેલ વિસંગતતાઓ અને ક્ષતિઓ અંગે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા એડિશનલ કલેકટર, ડેપ્યુટી કલેકટર (શહેર), ડેપ્યુટી કલેકટર (ગ્રામ્ય- સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન કચેરી)ને લેખિત આવેદન દ્વારા રજૂ કરવામાં આવેલ સાથોસાથ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આટલો તોતિંગ જંત્રી વધારો આવે તો રિયલ એસ્ટેટ સેકટરને ખૂબ જ નુકસાન થશે. રિયલ એસ્ટેટ એ માત્ર બિલ્ડર કે બ્રોકર સુધી મર્યાદિત નથી પરંતુ રિયલ એસ્ટેટ એ એક આખું સેકટર છે જેની સાથે 150થી 200 વ્યવસાયો સંકળાયેલા છે. જેમાં બિલ્ડિંગ મટીરિયલ્સ, સિમેન્ટ, પ્લાસ્ટિક, સિરામિક, ફેબ્રીકેશન, ઈલેકટ્રીક, કોન્ટ્રાકટર, લેબર સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. આ સ્થિતિમાં જ્યારે જંત્રી દરમાં એક સાથે આવો અસહ્ય તોતિંગ વધારો માત્ર બિલ્ડર કે બ્રોકરને જ નહીં પણ દરેક ક્ષેત્રને અસર કરશે.
- Advertisement -
સમગ્ર દેશમાં રોજગારી આપવામાં અને દેશના વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અગ્રેસર છે ત્યારે જો આ ક્ષેત્રમાં મંદીના વાદળો છવાશે તો તેની ગંભીર અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના આર્થિક વિકાસમાં ચોક્કસપણે વર્તાશે તેવું રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ઓફ રાજકોટના પ્રમુખ નિલેશ સુરાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.