ભારતીય રીઝર્વ બેન્ક પાસે સોનાંનો 25.84 મિલિયન ઔંશનો સ્ટોક
ખાસ-ખબર સંવાદદાતા
2023 માં રીઝર્વ બેન્કની સોનાની ખરીદી છેલ્લા છ વર્ષનાં સૌથી નીચા સ્તરે રહી હતી. અમેરિકાનાં મજબુત ડોલર સામે 2017 થી રીઝર્વ બેન્કે સોનું ખરીદવાનું શરૂ કર્યુ હતું. ડીસેમ્બર 2017 માં 0.04 મીલીયન ટ્રોય ઔંશની ખરીદી કરવામાં આવી હતી અને ત્યારે સોનાનો સ્ટોક 17.94 મીલીયન ટ્રોય ઔંશ પર પહોંચ્યો હતો.
2023 માં રીઝર્વ બેન્કનો સોનાનો સ્ટોક 0.52 મીલીયન ટ્રોય ઔંશ વધીને 25.84 મીલીયન ટ્રોય ઔંશ થયો છે. ડીસેમ્બર 2022 માં તે 25.32 મીલીયન ટ્રોય ઔંશ હતો (એક ટ્રોપ ઔંશ એટલે અંદાજીત 31.10 ગ્રામ થાય છે)
સોનાના ઉંચા ભાવને કારણે રીઝર્વ બેંકે સોનાની ખરીદીમાં કાપ મુકયો હોવાનું માનવામાં આવે છે.વિશ્વનાં અન્ય અનેક દેશોએ પણ સમાન વલણ અપનાવ્યુ હતું.વિદેશી હુંડીયામણ અનામતમાં વૈવિધ્યકરણનાં ભાગરૂપે ડીસેમ્બર 2017 થી રીઝર્વ બેન્કે સોનાનો સ્ટોક કરવાનું શરૂ કર્યું હતું.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સોનાની ખરીદીમાં માત્ર મૂડી વળતરની આશા હોય છે. રીઝર્વ બેન્કે ડોલરની પણ કોઈ મોટી ખરીદી કરી ન હતી એટલે સોનામાં કાપ મુકયો હોવાની શકયતા છે.
બેંક ઓફ બરોડાનાં વડા અર્થશાસ્ત્રી મદન સબનવીસનાં કહેવા પ્રમાણે એવૂ બની શકે કે ડોલરની અનામતના ધોરણે રીઝર્વ બેન્કે સોનાની ખરીદીમાં ફાળવણી નિયત કરી હતી સોનાના ઉંચા ભાવને કારણે ખરીદીની માત્રા નીચી રહી હોઈ શકે.
રિઝર્વ બેન્કે નવેમ્બરના અર્ધ વાર્ષિક રિપોર્ટમાં એવુ જાહેર કર્યું હતું કે સપ્ટેમ્બર 2023 ની સ્થિતિએ 800.19 ટન સોનુ હતું (તેમાં 39.89 ટન ડીપોઝીટના સોનાનો સમાવેશ થતો હતો) 388.46 ટન બેંક ઓફ ઈગ્લેન્ડ તથા બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટની કસ્ટડીમાં હતુ.372.84 ટન ઘર આંગણે હતુ વિદેશી હુંડીયામણ અનામતમાં સોનાનો હિસ્સો માર્ચ 2023 માં 7.81 ટકા હતો તે સપ્ટેમ્બર 2023 માં 7.37 ટકા થયો હતો.
ડીસેમ્બર 2023 માં વધીને 7.70 ટકા હતો.વિશ્વમાં બેંકોએ 2023 માં 1037 ટન સોનાની ખરીદી કરી હતી. તેમાંથી એક તૃતિયાંશ ખરીદી ચીન અને ભારતની બેંકોએ જ કરી હતી. મહત્વની બાબત એ છે કે રીઝર્વ બેન્કે કયારેય સોનુ વેંચીને નફો બુક કર્યો નથી.
રિઝર્વ બેન્કની 2023માં સોનાંની ખરીદી છેલ્લા છ વર્ષના નીચલા સ્તરે
