ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ- કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને આગામી તા.30-06-2025 સુધીમાં ઇ- કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
હવે આ અભિયાનમાં ટપાલ વિભાગ પણ મહત્વની ભૂમિકા નિભાવશે. તાજેતરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય ડાક વિભાગ અને ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક મહત્વપૂર્ણ કરાર હેઠળ ટપાલ વિભાગ કોઈપણ ચાર્જ વિના ઘરે ઘરે રેશનકાર્ડ ધારકોને ઇ- કેવાયસીની સુવિધા પૂરી પાડી રહ્યું છે. અત્યાર સુધીમાં, ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે બેઠા ઇ- કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના લાભ ખાસ કરીને એનએફએસએ રેશનકાર્ડ ધારકોને મળશે.
તેઓશ્રીએ આગળ જણાવ્યું હતું કે, આ સેવા ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થિત 8,800 થી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. બધા રેશનકાર્ડ ધારકોના ઇ- કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા માટે, ડાક કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને તેમને સેવા પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાથે સંકલન કરીને તેઓ રેશનની દુકાનો અને સમુદાય શિબિરોમાં ઇ- કેવાયસી સેવા પણ પૂરી પાડી રહ્યા છે.