ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 16માં વર્ષે શ્રી હનુમાન જન્મોત્સવની રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે. આ યાત્રાનું આયોજન ભવ્યાતિભવ્ય બનાવવા રાજકોટની 100થી વધુ હિન્દુ સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે અને યાત્રાને વધુ વિશાળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજ વર્ષમાં એક વખત હનુમાન જન્મોત્સવના દિવસે રાજકોટના રાજમાર્ગો પર નગરયાત્રાએ નીકળીને લોકોની મનોકામના પૂર્ણ કરે છે. લોકો દાદાના રથને ખેંચી અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
- Advertisement -
શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રથયાત્રાના આયોજનનો એક હેતુ એવો છે કે સમગ્ર સનાતન ધર્મનું સંગઠન થાય અને સનાતન ધર્મના તહેવારો પશ્ચિમી સંસ્કૃતિ કરતાં પણ ભવ્ય રીતે ઉજવી શકાય છે અને હિન્દુ ધર્મમાં શ્રી હનુમાનજી મહારાજ કે જેને બાળપણમાં શ્રાપ મળેલ કે પોતાની શક્તિ ભૂલી જશે પરંતુ તેની શક્તિની યાદ અપાવીએ ત્યારે પોતાની શક્તિથી પરિચિત થાય તેવી જ રીતે સનાતન ધર્મના લોકો તેની શક્તિ ભૂલી ગયેલ છે તો તેમની શક્તિ વિશે પરિચિત કરવા અને સનાતન ધર્મના જાગરણનો પણ એક હેતુ છે. તદઉપરાંત આ રથયાત્રાની શરૂઆત માત્ર 10 ફ્લોટથી કરવામાં આવી હતી જે આજે 60થી પણ વધુ ફ્લોટે પહોંચી છે જેનો એક માત્ર ઉદ્દેશ ભાઈચારાની ભાવના, ધર્મ પ્રત્યેનું સંગઠન જે રથયાત્રામાં જોવા મળે છે અને દાદાના આશીર્વાદથી નિ:સ્વાર્થ કાર્ય કરવામાં આવે છે. આ રથયાત્રામાં રથ ખેંચવા લોકો રાજકોટના અલગ અલગ વિસ્તાર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી આવે છે. લોકો દ્વારા કહેવામાં આવે છે કે આખુ વર્ષ તો અમે અમારી જિંદગીનો રથ તો ખેંચીએ છીએ પણ આ દાદાના રથને ખેંચવાથી આખા વર્ષનો થાક દૂર થઈ જાય છે. લોકો દ્વારા આસ્થાથી પોતાની માનતાઓ પૂરી કરવામાં આવે છે. પોતાના બાળકોનું માથું ટેકવવા દૂર દૂરથી લોકો આવે છે.
ડીજે અને કેશિયોપાર્ટી સંગાથે આખા રથયાત્રાના રૂટમાં ‘જય જયશ્રી રામ અને હર હર મહાદેવ અને રાજ તિલકકી કરો તૈયારી આ રહે હૈ ભગવાધારી, ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રીરામ બોલેગા’ જેવા ગીતો સાથે બજરંગીઓ ઝુમશે. બહેનો માટે પણ ડીજેની અલગથી વ્યવસ્થા કરેલ છે જેથી તેવો પણ કોઈપણ જાતના સંકોચ વગર ઉજવણી કરી શકશે.
તા. 23-4-24 ને મંગળવારે સાંજે 4-30 વાગ્યે શ્રી બડા બજરંગ હનુમાનજી મંદિરથી રામનાથપરા-16થી યાત્રાનો પ્રારંભ થશે. જે બડાબજરંગ ચોક, રામનાથપરા મેઈન રોડથી ગરુડ ગરબી ચોક થઈને વિરાણી વાડીથી હાથીખાના મેઈન રોડ, કેનાલ રોડથી ગુંદાવાડી પોલીસ ચોકી થઈને પેલેસ રોડથી સંતોષ ડેરી સામેનો રોડ થઈ કરણપરા ચોકથી પ્રહલાદ મેઈન રોડ થઈ ભૂપેન્દ્ર રોડથી શ્રી બાલાજી મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે.
શ્રી બડા બજરંગ ફાઉન્ડેશનના યાત્રા અધ્યક્ષ વિજયભાઈ વાંક અને ભૂદેવ એવા અજય મહારાજ અને સાધુસંતોના શુભહસ્તે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાનું પ્રસ્થાન થશે.