ગોંડલ, જેતપુર, ધોરાજી, ચોરવાડ, પ્રભાસપાટણ, માળીયામાં અડધોથી બે ઇંચ વરસાદ : મગફળીને નુકસાન
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં ફરી ભારે તાપ સાથે સખત બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે. તેવામાં ગઇકાલે પ્રથમ નોરતે રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ગ્રામજનો ફફડયા હતા તો ઘણી જગ્યાએ માતાજીની ગરબીમાં વિક્ષેપ પણ પડયો હતો. ગોંડલ તાલુકામાં તો બે ઇંચ સુધી પાણી પડતા મગફળી, કપાસને નુકસાનીનો ભય છે. તો ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ, ચોરવાડમાં પણ મોટા ઝાપટા વરસી ગયા છે.
જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાથે વીજળીના જબ્બર કડાકા થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી, માર્ગો પર પાણી ભરાયા હતા.
- Advertisement -
રાજકોટ જિલ્લાના ગોંડલ અને ધોરાજીમાં નવરાત્રિના પહેલા દિવસે જ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. તેમાંય ગોંડલના શિવરાજગઢ તથા માંડણ કુંડલા, કમરકોટડા, દેવચડી સહિતના આસપાસના ગામોમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં નવરાત્રિ માટે તૈયાર કરેલા મંડપ પલળી ગયા છે. જેતપુરમાં 1 ઇંચ, વંથલી-માળીયામાં અડધો ઇંચ, ધોરાજી, વેરાવળ, કેશોદ, ભેંસાણમાં પણ અડધો ઇંચ પાણી પડયું હતું.