રામાયણમાં સાફ શબ્દોમાં કહેવાયું છે કે, સેતુબંધને ફક્ત દરિયાનાં પાણીને સહારે બનાવવામાં આવ્યો છે, જેનો સીધો મતલબ એમ પણ થાય કે અહીં કોઈ પ્રકારનો ગ્રાઉન્ડ-સપોર્ટ લેવામાં નથી આવ્યો
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
કદાચ ભારત એકમાત્ર એવો દેશ હશે, જેનો ઇતિહાસ આપણા દુશ્મનોએ લખ્યો છે અને કમનસીબે આજદિન સુધી આપણી શિક્ષણપધ્ધતિમાં પણ અવિરતપણે ભણાવાઈ રહ્યો છે! એ વાતમાં કોઈ બેમત નથી કે જ્યારે ભારતનો ઇતિહાસ લખાયો ત્યારે મહાભારત-રામાયણને તેમાં સ્થાન ન મળી શક્યું. બ્રિટિશ પ્રજાએ પોતાનાં અફસરો અને આઝાદી સમયની વાતો ભારતીય શિક્ષણપધ્ધતિમાં દાખલ કરી. આમ કરવા પાછળ તેમણે બે હેતુઓ સિધ્ધ કર્યા. પહેલું એ કે, ભારતનાં પૌરાણિક કાવ્યો ફક્ત માયથોલોજી બનીને રહી જાય અને બીજું, તેમની જૂની-પુરાણી એજ્યુકેશન સિસ્ટમ આપણા દેશમાં દાખલ કરી અહીં સડો પેદા કરી શકાય! અને થયું પણ એવું જ!
વિદેશોમાં એડમ-ઇવ (સૃષ્ટિની સૌથી પહેલી જોડી)ની કથાઓ તેમનાં પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામી શકી છે. પરંતુ આપણી વર્ષો જૂની શિક્ષણ પધ્ધતિમાં ‘મનુ-શતરૂપા’ને કેમ કોઈ જગ્યા નથી મળી? દુ:ખ લાગે એવી વાત તો એ છે કે ઇતિહાસ ભૂંસાયો એટલું જ નહી, પરંતુ તેને તોડી-મરોડીને બદલી નાંખવાનો પણ પ્રયાસ થયો! થોડા સમય પહેલા જ મેં સોશિયલ મીડિયા પર એક કમેન્ટ વાંચી, જેમાં તુતિકોરિન ખાતે આવેલી ચિદમ્બરમ કોલેજનાં ‘જીઓલોજી અને રિસર્ચ ડિપાર્ટમેન્ટ’ હેડ રહી ચૂકેલા ડો. રામાનુજમે લખ્યું હતું કે રામસેતુ એ ખરેખર તો ‘એડમ બ્રિજ’ છે!
- Advertisement -
ઉત્ક્રાંતિવાદનાં નિયમ મુજબ, ત્રેતાયુગનો સમયગાળો માનવજાત માટે ઇવોલ્યુશનરી ગણી શકાય કારણકે આ સમય દરમિયાન અમુક ખાસ પ્રકારની વાનર-પ્રજાતિઓ માણસ દેહમાં તબદીલ થઈ રહી હતી, તેમની પૂંછડીઓ ધીરે-ધીરે કરોડરજ્જુનો હિસ્સો બનતી જતી હતી! તેમનાં મગજ અને શારીરિક બંધારણમાં પણ ખાસ્સા ફેરફારો જોવા મળી રહ્યા હતાં.
તેમણે રામનાં અસ્તિત્વને નકારીને એડમને સાચો સાબિત કર્યો. પરંતુ અહીં સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ર્ન મનમાં પેદા થાય કે સૃષ્ટિનો સૌપ્રથમ પુરુષ કઈ રીતે એકલા હાથે આવડા મોટા બ્રિજનું નિર્માણ કરી શકે?! ડો. રામાનુજમનાં તુક્કાને ખોટો સાબિત કરવા આ એક મુદ્દો જ કાફી છે. શ્રીલંકાનાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી પૂરવાર થઈ ચૂક્યુ છે કે ત્યાં માનવ-વસવાટનાં સૌપ્રથમ ચિહ્નો 17,50,000 વર્ષો પહેલાથી મળી આવ્યા છે. (બિલકુલ એ સમય પર, જ્યારે ત્રેતાયુગનો મધ્યાહ્ન કાળ ચાલી રહ્યો હતો!)
- Advertisement -
રામાયણમાં સાફ શબ્દોમાં કહેવાયું છે કે, સેતુબંધને ફક્ત દરિયાનાં પાણીને સહારે બનાવવામાં આવ્યો છે. જેનો સીધો મતલબ એમ પણ થાય કે અહીં કોઈ પ્રકારનો ગ્રાઉન્ડ-સપોર્ટ લેવામાં નથી આવ્યો. ઇન્ડિયન આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની છાનબીનમાં પણ આ જ તથ્ય સામે આવ્યું છે. પુરાતત્વશાસ્ત્રીઓને બ્રિજ હેઠળ કોઈ પ્રકારનાં સપોર્ટિવ એલિમેન્ટ પ્રાપ્ત નથી થઈ શક્યા. ઉપરાંત, માનવામાં આવે છે કે સેતુબંધ આજથી લગભગ 10 લાખ વર્ષ પહેલા નિર્માણ પામ્યો છે. ત્રેતાયુગમાં બનેલા રામાયણ બાદ, 8 લાખ 64 હજાર વર્ષોનો દ્વાપર યુગ ચાલ્યો. જેના પરથી એ વાતની ખાતરી મળે છે કે રામાયણ અને સેતુબંધની ઘટના આજથી 9-10 લાખ વર્ષો પહેલા ત્રેતાયુગમાં ખરેખર બની હોવી જોઈએ!
રામસેતુની રચના પાછળનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ભગવાન રામે લંકા સુધી પહોંચવા માટે દરિયામાં સેતુ બનાવવાનું એલાન કર્યુ. જેમાં વિશ્વકર્માનાં બે પુત્રો નલ-નીલની મદદ લેવામાં આવી. ભગવાન વિશ્વકર્માને આજે પણ લોકો સ્થાપત્ય કળાનાં રચયિતા માને છે. સેતુબંધનાં નિર્માણ માટે સ્થાપત્ય કળાનાં નિપુણ વ્યક્તિની મદદ મળવી અત્યંત આવશ્યક હતી. અને વિશ્વકર્માનાં બંને પુત્રોથી વધુ સારા આર્કિટેક્ટ તેમને ક્યાં મળી શકવાનાં હતાં! વાલ્મિકી રામાયણમાં ક્યાંય ભગવાન રામને સેતુબંધનાં રચયિતા નથી ગણવામાં આવ્યા. અગર ઋષિ વાલ્મિકીને એક ફેન્ટસી ફિક્શન સ્ટોરી જ લખવી હોત તો તેઓ ભગવાન રામને સેતુબંધનાં આર્કિટેક્ટ તરીકે દેખાડી શક્યા હોત! પરંતુ એવું થયું નથી. વાલ્મિકી રામાયણમાં બીજો એક મહત્વનો ઉલ્લેખ સેતુબંધ-નિર્માણ દરમિયાન લાગેલા દિવસોનો છે. કથામાં જણાવ્યા મુજબ, સેતુબંધ પાંચ દિવસની અંદર બનીને તૈયાર થઈ ગયો હતો. 100 યોજન લાંબો અને 10 યોજન પહોળો રામસેતુ બનાવવા માટે 1 કરોડથી પણ વધુ વાનરોએ સાથ આપ્યો હતો. હવે આ વિશે જરાક ઉંડાણમાં ઉતરીએ.
પહેલા દિવસે 14, બીજા દિવસે 20, ત્રીજા દિવસે 21, ચોથા દિવસે 22 અને પાંચમા દિવસે 23 યોજન થઈને કુલ 100 યોજન લાંબો બ્રિજ બનાવાયો. સ્વાભાવિક વાત છે કે, પ્રથમ દિવસે બ્રિજ માટે જરૂરી એવી સાધન-સામગ્રી અને ટેકનોલોજી એકઠી કરવામાં સમય લાગ્યો હોઈ શકે, જેનાં લીધે ફક્ત 14 યોજન સુધી નિર્માણ થઈ શક્યું. બીજા દિવસથી બાંધકામ પૂરજોશમાં ચાલ્યું, જે અંતે પાંચમા દિવસે અટક્યું. ખાસ વાત તો એ છે કે ભગવાન રામની મહાનતા સાબિત કરવા સેતુબંધને ફક્ત અમુક કલાકની અંદર નિર્માણ પામતો દેખાડી શકાયો હોત, પરંતુ વાલ્મિકીજીએ આખી ઘટનાની સત્યાર્થતા જાળવી રાખવા આવી કોઈ કલ્પનાને સ્થાન આપ્યું જ નહી. લાખો વર્ષ પહેલા લખાયેલ આ રામાયણમાં ઋષિ વાલ્મિકીએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે, સેતુબંધનાં નિર્માણ પાછળ મોટા-મોટા મિકેનિકલ યંત્રોની મદદ લેવામાં આવી હતી. આ વાતની ખાતરી યુધ્ધકાંડનાં બાવીસમાં પ્રકરણમાં મળી આવે છે :
हस्तिमात्रान् महाकायाः पाषाणांश्च महाबलाः ||
पर्वतांश्च समुत्पाट्य यन्त्रैः परिवहन्ति च |
સાદો અર્થ : મહાકાય વાનરોએ ભારે-ભરખમ પત્થરો તેમજ પહાડોનાં પરિવહન માટે અમુક યંત્રો (મિકેનિકલ કોન્ટ્રિવન્સ)નો ઉપયોગ કર્યો.
યંત્રોનાં ઉલ્લેખથી એક વાત તો સાફ થઈ જાય છે કે રામાયણનાં યુધ્ધ દરમિયાન પણ ઘણી આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ થયો હતો. રામાયણમાં દર્શાવેલ સેતુબંધ અને હાલ દરિયામાં આવેલ ‘એડમ બ્રિજ’નું લોકેશન એકસરખું છે. તદુપરાંત, રામસેતુની વૈજ્ઞાનિક રીતે માપવામાં આવેલી લંબાઈ વાલ્મિકીકૃત રામાયણ સાથે મેળ ખાય છે. જે સાબિત કરે છે કે ‘રામાયણ’ કોઈ માયથોલોજીકલ સ્ટોરી નહી, પરંતુ ભારતનો લાખો વર્ષ પહેલાનો ઇતિહાસ છે! વિજ્ઞાન કહી રહ્યું છે કે પૃથ્વીનું અસ્તિત્વ ચાર અબજ વર્ષોથી ચાલ્યું આવે છે. આટલા સમય દરમિયાન તો કંઈ-કેટલાય પ્રાણી-પશુ અને મનુષ્યોની પેઢી લુપ્ત થઈ શકે!
છેલ્લા સો-દોઢસો વર્ષોની અંદર પાકિસ્તાન, મલેશિયા, કાશ્મીર, બાંગ્લાદેશ જેવા કેટલાય સ્થળોનાં હિંદુ-મંદિરોનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે. શક્ય છે કે આ વિધ્વંશમાં પુષ્કળ પૌરાણિક રહસ્યો-તથ્યોનો પણ નાશ થઈ ગયો હોય! શા માટે આપણે ફક્ત નજરે જોયેલી વસ્તુઓને જ સાચી માનીએ છીએ? એવા તો ઘણાય રહસ્યો હશે જેને ઓળખવામાં માનવ-આંખોને વર્ષો વીતી જશે. બની શકે કે રામાયણ-મહાભારત પણ આમાંના જ એક હોય!!
14મી માર્ચ, 2018નાં રોજ અવસાન પામેલા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે ભૂતકાળમાં કહેલી એક વાત અહીં યાદ કરી લઈએ. તેમણે કહેલું કે અગર આગામી 100 વર્ષોની અંદર આપણે વસવાટલાયક અન્ય પૃથ્વીની વ્યવસ્થા ન શક્યા તો માનવજાતનો અંત નિશ્ચિત છે! છેલ્લા અબજો વર્ષોથી આપણી સાથે આ થતું આવ્યું છે. કેટકેટલીય વાર માનવજાત સમૂળગી નાશ પામીને પુન: અવતરિત થઈ છે. પ્રકૃતિ સાથે થયેલી છેડછાડને લીધે થોડા વર્ષો પછી ફરી ઇતિહાસ દોહરાશે અને પૃથ્વી પરનાં જનજીવનનો અંત આવી જશે!
વીસમી સદીનાં સૌથી મહાન વૈજ્ઞાનિકની આ વાતને આજનાં દરેક ખગોળશાસ્ત્રીઓએ ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે. સરળ તારણ એવું પણ કાઢી શકાય કે પૃથ્વી પર માનવની ઉત્પત્તિ અને વિનાશનો ઘટનાક્રમ અબજો વર્ષોથી અવિરતપણે ચાલી રહ્યો છે. તો શું શક્ય નથી કે રામાયણકાળમાં આલેખાયેલા જીવો કાળક્રમે નાશ પામી ચૂક્યા હોય!? અદ્દલ ડાયનોસોરની માફક! લંકાયુધ્ધ સમયે એકઠી થયેલ એક કરોડની વાનર-સેના વિશે પણ ઘણા મતમતાંતર પ્રવર્તે છે. ઉત્ક્રાંતિવાદનાં નિયમ મુજબ, ત્રેતાયુગનો સમયગાળો માનવજાત માટે ઇવોલ્યુશનરી ગણી શકાય કારણકે આ સમય દરમિયાન અમુક ખાસ પ્રકારની વાનર-પ્રજાતિઓ માણસ દેહમાં તબદીલ થઈ રહી હતી. તેમની પૂંછડીઓ ધીરે-ધીરે કરોડરજ્જુનો હિસ્સો બનતી જતી હતી! તેમનાં મગજ અને શારીરિક બંધારણમાં પણ ખાસ્સા ફેરફારો જોવા મળી રહ્યા હતાં.
ભગવાન રામને યુધ્ધમાં સાથ આપનાર વાનરસેના પાસે બુધ્ધિ અને સમજદારી બંને હતી તેવા વર્ણન રામાયણમાં મળી આવ્યા છે. તો શું શક્ય નથી કે જે વાનરોની અહીં વાત થઈ રહી છે તે ખરેખર પોતાનાં ઈવોલ્યુશનરી(ઉત્ક્રાંતિ) કાળમાં હોય?! બની શકે કે, તેઓનાં શારીરિક બંધારણમાં થઈ રહેલા ક્રમિક વિકાસને કારણે તેમનામાં યુધ્ધ લડવા જેટલી સમજદારી આવી ચૂકી હોય!
રામાયણની પુષ્ટિ કરવા અંગે નીચેનાં મુદ્દાઓ પણ ખાસ ચકાસવા જેવા છે :
(1) સંજીવની પર્વત : લક્ષ્મણજીને બાણ વાગતાં હનુમાન સંજીવની બુટ્ટીની શોધમાં એક પહાડ પર જાય છે. પરંતુ સંજીવનીનો છોડ ઓળખવામાં નિષ્ફળ જતાં તેઓ આખેઆખો પહાડ ઉચકીને યુધ્ધભૂમિમાં હાજર થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આવી ઔષધિવાળો પહાડ હિમાલય સિવાય બીજી કોઈ જગ્યાએ નથી. શ્રીલંકામાં તો નહી જ! હિંદુ માન્યતા મુજબ, ‘શ્રી યંત્ર’માં એવી શક્તિ છે જે કોઈ પણ વસ્તુ-વ્યક્તિને ગુરૂત્વાકર્ષણ બળની વિરૂધ્ધ જવા માટેની ટેકનિક આપી શકે છે. તો શું હનુમાને આ તકનિકીનો ઉપયોગ કરીને પહાડ ઉપાડ્યો હશે?
(2) અશોક વાટિકા : સીતાજીને જ્યાં રાખવામાં આવ્યા હતાં એ અશોકવાટિકા હજુ પણ લીલીછમ અવસ્થામાં સાચવી રખાઈ છે. પરંતુ ત્યાંથી ફક્ત 10-20 મીટર દૂર આવેલી જમીન બળીને કાળી પડી ગયેલી છે. જે ઘણા કિલોમીટર સુધી આવી જ અવસ્થામાં છે! છતાં લંકા-દહનની વાસ્તવિકતા પર પ્રશ્નો કેમ ઉઠાવાઈ રહ્યા છે?
(3) મહેન્દ્રગીરી પર્વત : અયોધ્યા અને લંકાની વચ્ચે પુષ્કળ ગામ-શહેર એવા છે જેમનાં નામ વાલ્મિકી રામાયણમાં વર્ણવવામાં આવેલા સ્થળ સાથે મેળ ખાય છે. ક્રુર મુસ્લિમ શાસકો દ્વારા કરવામાં આવેલા આક્રમણો પણ તેમને બદલી નથી શક્યા! ચિત્રકુટ, પંચવટી, રામેશ્વરમ, લંકા અને અયોધ્યા આ તમામ સ્થળોની માહિતી રામાયણમાં પ્રાપ્ય છે. રામેશ્વરમમાં ભગવાન રામની પૂજા-આરાધના વડે સ્થાપાયેલ ‘શિવલિંગ’ને આજદિન સુધી લોકો એ અવસ્થામાં જ પૂજી રહ્યા છે. રામાયણમાં થયેલા ઉલ્લેખ મુજબ, એ સમયમાં દરિયાની પેલે પારનાં સ્થળો વિશેની માહિતી મેળવવા માટે સૌથી ઊંચા અને શ્રેષ્ઠ મહેન્દ્રગીરી પર્વતનો ઉપયોગ થયો હતો. જેનાં વિશે શોધકર્તાઓએ પણ એક ખાસ બાબત નોંધી. તેની ટોચ પરથી દરિયાપારનાં 60 કિલોમીટર સુધીનાં વિસ્તારોનું અવલોકન શક્ય છે! ભારતનાં રાજકારણીઓ અને વૈજ્ઞાનિકો પાસે આ વાતનો કોઈ જવાબ નથી કે લંકાથી હજારો કિલોમીટર દૂર આવેલી આ તમામ જગ્યાઓનાં નામ વિશે ઋષિ વાલ્મિકી કઈ રીતે વાકેફ થયા હશે? નરી કલ્પના વડે તો આ શક્ય જ નથી. જેનો સીધો અર્થ એમ થાય કે તેમણે ભારતભૂમિનું ભ્રમણ કરીને રામાયણની સચ્ચાઈ પોતાનાં ગ્રંથમાં આલેખવાની કોશિશ કરી હતી.
(4) પુષ્પક વિમાન : સીતાહરણ માટે રાવણે પુષ્પકવિમાનનો ઉપયોગ કર્યો હોવાનું મનાય છે. આજે આપણે જે એરોપ્લેનમાં બેસીને મુસાફરી કરી રહ્યા છીએ તેનો મૂળ આઇડિયા પુષ્પક વિમાનમાંથી આવ્યો હોઈ શકે? શું ખરેખર આપણા પૌરાણિક સંશોધકો પાસે એવા પ્રકારની ટેકનોલોજી હતી જેનાં વડે તેઓ મસમોટા વિમાન બનાવવા સક્ષમ હતાં? અગર હા, તો પછી એ તમામ રિસર્ચ-પેપર અને સંશોધનો ભારતમાંથી ગાયબ કઈ રીતે થઈ ગયા?
(5) રામસેતુ : અંતે ફરી આ મુદ્દા પર આવવા પાછળ એક કારણ છે. વાલ્મિકી રામાયણનાં યુધ્ધકાંડમાં રામસેતુ નિર્માણને કોઈ ચમત્કાર નહી, પરંતુ બાંધકામનાં એક ઉત્તમ નમૂના તરીકે દર્શાવાયો છે. આ માટે નીચેનાં શ્લોક પર એક નજર ફેરવીએ.
ते नगान् नग सम्काशाः शाखा मृग गण ऋषभाः |
बभन्जुर् वानरास् तत्र प्रचकर्षुः च सागरम् ||
२-२२-५३
(અર્થ : પહાડ જેવા દેખાતાં વાનર-સેનાપતિઓ મહાકાય પથ્થરો અને વૃક્ષોનાં ટુકડા કરી તેમને દરિયા તરફ લઈ જવા લાગ્યા.)
दण्डनन्ये प्रगृह्णन्ति विचिन्वन्ति तथापरे || २-२२-६२
वानरैः शतशस्तत्र रामस्यज्ञापुरःसरैः |
मेघाभैः पर्वताभश्च तृणैः काष्ठैर्बबन्धरे || २-२२-६३
અર્થ : કેટલાક વાનરો સેતુની લંબાઈ માપવા માટે હાથમાં લાંબા વાંસ લઈને ઉભા હતાં તો અન્ય કેટલાક એ માટેની સામગ્રી એકઠી કરી રહ્યા હતાં. બાંધકામ ઝડપી કરવા માટે રામની આજ્ઞાથી (આકાશને આંબતા મહાકાય પર્વત જેવા) વૃક્ષનાં કપાયેલા ભાગો અને લાકડાને હજારો વાનરોની મદદ વડે સેતુ પાસે લઈ જવામાં આવ્યા.
समुद्रम् क्षोभयामासुर्निपतन्तः समन्ततः ||
सूत्राण्यन्ये प्रगृह्णन्ति ह्यायतम् शतयोजनम् |
२-२२-६०
(અર્થ : પુષ્કળ પથ્થરોને લીધે દરિયામાં અવ્યવસ્થા ઉભી ન થાય એ માટે 100 યોજન લાંબા દોરડા વડે તેને એક રેખામાં બાંધવામાં આવ્યા.)
હજુ પણ આવા કંઇ-કેટલાય પુરાવાઓ વાલ્મિકી રામાયણમાંથી મળી આવે છે. હજારો વર્ષોથી ઉજવાઈ રહેલી રામ-નવમી અને દિવાળી રામની યથાર્થતા પુરવાર કરતા તહેવારો છે. પરંતુ હવે એ સમય પાકી ગયો છે જ્યાં મનમાં અખૂટ શ્રધ્ધા સાથે જેમને આપણે પૂજીએ છીએ તેઓની મહાન ગાથા આવનારી પેઢી સુધી પહોંચે! ધર્મભીરૂ દેશ તરીકેની છાપ ધરાવતું ભારત પોતાનાં ધર્મ પ્રત્યે સજાગ બને એ જરૂરી છે.