શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ સમાજો અને આગેવાનો તેમજ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાની આગેવાનીમાં રામદેવજી મહારાજની જન્મજયંતિ તથા ધ્વજારોહણ ઉત્સવ ભકિતભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગઈકાલે ભાદરવા સુદ અગિયારસના દિવસે કામનાથ મંદિર ખારવાવાડથી શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રા શહેરના વખારિયા બજાર, ત્રિકમરાયજી મંદિર, સોની બજાર, સુભાષ રોડ, સટ્ટા બજાર, ટાવર ચોક, રાજેન્દ્ર ભુવન રોડ સહિતના રાજમાર્ગો પરથી પસાર થઈ જાલેશ્વર રામદેવજી મહારાજના મંદિરે પૂર્ણ થઈ હતી.જ્યાં સાંજે શુભ ચોઘડીયે રામદેવજી મહારાજનાં મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા તથા દર્શનનો લાભ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અધ્યક્ષ કિશોરભાઈ કુહાડની આગેવાનીમાં ઉપપટેલ ગોપાલભાઈ ફોફંડી, બાબુભાઈ આગિયા સહિતનાઓ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.દરમિયાન ખારવા સમાજના આગેવાનોનું હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો,સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા વિવિધ જગ્યાઓએ સ્વાગત કરવામાં આવ્યું હતું.