ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
આગામી 17 એપ્રિલના રોજ દેશભરમાં રામ નવમી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ વખતે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત રામ નવમીની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈને મંદિર ટ્ર્સ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
- Advertisement -
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. જેના કારણે રામ નવમીના દિવસે સૌથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે. જેને લઈને નિર્ણય કરાયો છે કે, રામ નવમીના દિવસે મંદિર રોજની જેમ 14 કલાકની જગ્યાએ 20 કલાક ખોલીને ભક્તોને રામ લલ્લાના દર્શન કરાવવામાં આવશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટની શુ્ક્રવારના રોજ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, અયોધ્યા પ્રશાસને રામ નવમીના દિવસે 24 કલાક મંદિર ખુલ્લુ રાખવાની જાહેરાત કરી દીધી હતી. જેને મંદિર પ્રશાસને ફગાવી દીધો હતો. રામ નવમીના દિવસ કોઈપણ ભક્ત રામ લલ્લાના દર્શનથી વંચિત ન રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરમાં 7 લાઈનોમાં એન્ટ્રી આપવામાં આવશે. 15-18 એપ્રિલ સુધી મંદિરમાં દર્શન માટે કોઈ સ્પેશ્યિલ પાસ જારી કરવામાં આવશે નહીં.
જો કોઈ પાસ અગાઉ, ઓનલાઈન જારી કરાયું છે તો તે રદ કરી દેવામાં આવશે.અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે મંદિરમાં ઉભેલા ભક્તો માટે 50 સ્થળોએ પાણીની વ્યવસ્થા કરાશે. લોકો ઘરે બેઠા પણ રામ લલ્લાના દર્શન કરી શકશે. રામલલ્લા જન્મોત્સવને દૂરદર્શન પર લાઈવ દેખાડવામાં આવશે. અયોધ્યા નગર નિગર પણ શહેરમાં 100 સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવીને તેને દેખાડવાની વ્યવસ્થા કરશે.