હાઉસિંગ બોર્ડના રહીશો રીપેરિંગ કરાવવા તૈયાર, પરંતુ તંત્ર મુદ્દત પણ આપતું નથી અને સહકાર પણ મળતો નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
હાલ વરસાદી વાતાવરણને લઈ મકાનોની હાલત કફોડી બની છે ત્યારે તંત્ર જર્જરિત આવાસોને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નાના મવા મેઈન રોડ, લક્ષ્મીનગર શાક માર્કેટ, પીજીવીસીએલ ઑફિસની સામે રાજનગર હાઉસિંગ બોર્ડનાં કવાર્ટરમાં રીપેરિંગ માટે આરએમસી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને રીપેરિંગના કાર્ય માટે ખૂબ ટૂંકી મુદત ફાળવેલી છે પરંતુ ત્યાંના રહેવાસીઓએ વરસાદી વાતાવરણને લીધે વધારે મુદતની માગણી કરી છે. જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો કવાર્ટરના રહેવાસીઓ ધરણાં પર બેસશે.
રાજનગર હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓ સાથે ‘ખાસ-ખબર’ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે ત્યાંના રહેવાસીએ જણાવ્યું કે આરએમસીએ રીપેરિંગનું કાર્ય તાત્કાલિક ધોરણે કરવાની નોટિસ આપેલી છે પરંતુ ત્યાંના રહેવાસીઓએ વધુ મુદ્દતની માંગ કરી છે. આ વરસાદી વાતાવરણને લીધે તાત્કાલિક ધોરણે રીપેરિંગ શક્ય ન હોવાથી સમયની વધુ માંગ કરી છે. આવાસમાં કુલ 157 બ્લોક છે અને ત્યાં અમુક લોકો ભાડે પણ રહે છે. રહેવાસીઓ દ્વારા ત્યાંના કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી પરંતુ તેમના તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો. સાથોસાથ લોકોનું કહેવું છે કે કોર્પોરેટર ચૂંટણી સમયે આવે છે પછી ક્યારેય મુલાકાત લેવા આવતા નથી અને કોઈ રજૂઆતમાં રસ ધરાવતાં પણ નથી અને ચોખ્ખુ કહે છે કે, અમારે કંઈ લેવાદેવા નહીં.
ત્યારે રહેવાસીઓની એક જ માંગ છે કે રીપેરિંગ માટે સમય આપો અને ત્યાં રહેવાસીઓએ તો પોતાના ખર્ચે પણ રીપેરિંગ કરવાનું સ્વીકાર્યુ પરંતુ આરએમસી દ્વારા કહેવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે રીપેરિંગ કરો અને આરએમસી દ્વારા તપાસ કરાશે અને રીપેરિંગ બરાબર થયું હશે તો સ્વીકારશે નહીં તો ફરીથી રીપેરિંગ કરાવવું પડશે.
રહેવાસીઓ દ્વારા આરએમસી કમિશનરને રજૂઆત કરવામાં આવી પરંતુ ત્યાંથી પણ એવો જવાબ મળ્યો કે તમારે ખર્ચે રીપેરિંગ કરાવી લો, એ માટે પણ રહેવાસીઓ તૈયાર થયા પરંતુ તાત્કાલિક ધોરણે રીપેરિંગ કરાવવું જરૂરી છે તો રહેવાસીઓનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે રીપેરિંગ શક્ય નથી. વરસાદી માહોલને લઈને રીપેરિંગની મુદત જોઈએ છે જો આ માગણી સ્વીકારવામાં ન આવે તો અમે આંદોલન પર બેસીશું અને રોડ પર બેસીને ધરણાં કરીશું અને રહેવાસીઓને કહ્યા વગર જ આજે પાણી કનેકશન કાપી ગયા અને સાંજે લાઈટ કનેકશન કાપી જશે તેવું જણાવવામાં આવ્યું છે.