પિતા હિન્દી વિષયના શિક્ષક હોવાથી તેમની હિન્દી ભાષામાં પકડ સારી થઇ છે, હિન્દી તેમનો મનગમતો વિષય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ઝોન-2 તરીકે ઉત્તમ કામગીરી કરનાર આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવાને રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમનો મહત્ત્વપૂર્ણ ચાર્જ સોંપવામાં આવ્યો છે. આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવાએ રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમનો ચાર્જ સંભાળી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે જગદીશ બાંગરવાએ ચાર્જ સાંભળતાંની સાથે જ સામાન્ય જનતામાં ક્રાઈમ રેટ સુધરશે એવી આશા જાગી છે તો બીજી તરફ આવારા તત્ત્વોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રાજકોટના નવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા રાજસ્થાનના બાડમેરમાં આવેલા બલોતરા ગામના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓએ આઈપીએસની ડિગ્રી પ્રાપ્ત કરીને માત્ર પરિવાર જ નહીં પરંતુ ગામનું નામ પણ રોશન કર્યું છે. સાવ નાની જ ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરનાર જગદીશ બાંગરવા આજના યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વ્યક્તિત્વ છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. જગદીશ બાંગરવાના પિતા આઇદાનસિંહ બાંગરવા કે જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક.
- Advertisement -
એટલે પિતા આઈદાનસિંહએ જ ગુરુ બની તેમને શિક્ષણ આપ્યું છે. પિતા હિન્દી વિષયના શિક્ષક હોવાથી તેમની હિન્દી ભાષામાં પકડ સારી થઇ છે. હિન્દી તેમનો મનગમતો વિષય છે. જગદીશ બાંગરવાને નાનપણથી પિતાની જેમ સરકારી નોકરી કરવામાં રસ હતો અને તેમની ધગશ અને આગવી સૂઝ-બૂઝથી જગદીશ બાંગરવાએ પોતાનું સપનું સાકાર કર્યું છે. જીવનમાં કંઈક કરી બતાવવાની ઈચ્છા ધરાવતા જગદીશ બાંગરવાએ 2018માં ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા આપી અને 486મો રેન્ક મેળવ્યો હતો. સ્વભાવથી સરળ, શાંત અને ઠરેલ વ્યક્તિત્વ ધરાવતા આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસની ટીમે ઘણાં કેસ સોલ્વ કર્યા છે અને અનેક મવાલીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે. હવે જ્યારે તેઓએ રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમની નવી ફરજ સોંપાઈ છે ત્યારે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરીને પોલીસ વિભાગનું નામ રોશન કરશે તેમજ લોકોને શાંતિ-સલામતી આપવામાં સફળ થશે એવી આશા સેવાઈ રહી છે.
જગદીશ બાંગરવા રાજસ્થાનના બાડમેરમાં આવેલા બલોતરા ગામના એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તેઓએ IPSની ડિગ્રી પ્રાપ્ત કરીને માત્ર પરિવાર જ નહીં પરંતુ ગામનું નામ પણ રોશન કર્યું છે



