રાજકોટ જિલ્લામાં ત્રણ નવી સરકારી ગુજરાતી માધ્યમની હાઈસ્કૂલને મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સૌ પ્રથમ અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ શહેરના ભગવતીપરા વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. આ નવી શાળામાં ધોરણ 9 અને 10 માટે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવશે. ખાસ કરીને શહેરના આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આ શાળા આશીર્વાદરૂપ સાબિત થશે.
ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થશે. આ સાથે રાજકોટ જિલ્લામાં પણ ત્રણ નવી સરકારી ગુજરાતી માધ્યમની હાઈસ્કૂલને મંજૂરી મળી છે. જે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની સુવિધાને વધુ સુલભ બનાવશે.
આ પહેલાં એવા અનેક વાલીઓ હતા જેમને પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઇચ્છા હોવા છતાં ખાનગી શાળાઓની ઊંચી ફી ભરવી શક્ય ન હતી. હવે આ નવી સરકારી સ્કૂલના શરૂ થવાથી આવા પરિવારો માટે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડવાનું સપનું સાકાર બનશે. સરકારી અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા આપવામાં આવતું વિનામૂલ્યે શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ સહાયોથી તેમની શૈક્ષણિક યાત્રા વધુ મજબૂત બની રહેશે.
બીજી તરફ, રાજકોટ જિલ્લાના ત્રણ ગામડાં – ગોખલાણા, રાણીંગપર અને ઉમરાળામાં નવી ત્રણ ગુજરાતી માધ્યમની સરકારી હાઈસ્કૂલ શરૂ કરવાની મંજૂરી મળતાં જ નવા સત્રથી શાળા શરૂ પણ કરી દેવામાં આવી છે. આ શાળાઓમાં ધોરણ 9 અને 10 માટે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ત્રણેય શાળા વિદ્યાર્થીઓને સરળતાથી અભ્યાસ માટે અનુકૂળ માહોલ, ભણાવવાની આધુનિક પદ્ધતિઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપશે. આ નિર્ણયથી હવે આ ગામોના તેમજ આસપાસના ગામડાંઓના વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી આ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂરના ગામો કે શહેરોમાં જવું પડતું હતું. પરંતુ હવે તેમને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળશે અને સમય તથા નાણાંનો પણ બચાવ થશે.
ગુજરાતી હાઈસ્કૂલ શરૂ થતાં જ
78 વિદ્યાર્થીના એડમિશન થઇ ગયા
રાજકોટ જિલ્લાના ગોખલાણા, રાણીંગપર અને ઉમરાળામાં નવી ત્રણ ગુજરાતી માધ્યમની સરકારી હાઈસ્કૂલ શરૂ કરવાની મંજૂરી મળતાં જ નવા સત્રથી શાળા શરૂ પણ કરી દેવામાં આવી છે. નવી શાળાની મંજૂરી મળતા અને શરૂ થતાની સાથે જ આ ત્રણેય હાઈસ્કૂલમાં અત્યાર સુધીમાં 78 જેટલા વિદ્યાર્થીએ એડમિશન લઇ લીધા છે.