જમીનની બિનખેતી અને હેતુફેરની સત્તા હવે કલેક્ટર પાસે છે જે પરત પંચાયતને અપાઈ તેવી માગ
ખાસ-ખબર સંવાદદાતા
આજે રાજકોટ જિલ્લા પંચાયતના શાસકોની અંતિમ સામાન્ય સભા મળી હતી. જેમાં નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કેટલાક ઠરાવો પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે કહ્યું, રાજ્ય સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચેલી સત્તાઓ પરત આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. બિનખેતી અને હેતુફેરની સત્તાઓ સરકારે જિલ્લા પંચાયત પાસેથી પરત ખેંચી છે. જિલ્લા પંચાયતને સોંપવામાં આવે કારણ કે લોકોની વચ્ચે અમે રહીએ છીએ અને કામ પણ અમારે જ કરવાના હોય છે. અઢી વર્ષમાં ગ્રામ્યના પ્રશ્નો ઉકેલવામાં અમે પ્રયત્નો કર્યા છે. કોરોનાના સમયમાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે લોકોને એવું લાગે છે કે, જિલ્લા કલેકટર અને અધિકારીઓ કામ કરે છે નહીં કે નેતાઓ. પાર્ટીના પ્રતિનિધિ તરીકે અમે હોઇ તો અમારી પાસે લોકો કામની અપેક્ષા રાખતા હોય છે પણ અમે કાંઈ કરી શકતા નથી. આ અંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ સરકારે પરત લીધેલી સત્તા અંગે કહ્યું, અમારી જ્યાં જરૂર હશે ત્યાં અમે રજૂઆત કરીશું. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે, અઢી વર્ષમાં ચૂંટાયેલી બોડીએ ખૂબ જ સારી કામગીરી કરી છે. તેનો રિપોર્ટ પણ સોંપાયો છે. જે અમે સરકાર સુધી પહોંચાડીશું.