રાજકોટમાં રૂ.70 હજારથી લઈને 2 લાખ સુધીના ઊટનું સૌથી વધુ વેચાણ થાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં રિઅલ એસ્ટેટ માર્કેટ અને ઈ-વ્હિકલ્સ માટે મહત્ત્વની યોજના જાહેર કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક વ્હિકલ્સ પર હવે 6 ટકાને બદલે 1 ટકા વાહન વેરો વસૂલવામાં આવશે. રાજ્ય સરકારના બજેટની રાજકોટના ઈલેક્ટ્રિક વ્હિકલ્સના વેચાણમાં પોઝિટિવ અસર જોવા મળશે. રાજકોટમાં હાલમાં દર મહિને અંદાજિત 500 ઈવીનું વેચાણ થાય છે, પરંતુ હવે વાહનના વેરાની ટકાવારીમાં ઘટાડો થતા આ પ્રમાણ વધી જાશે. એક અંદાજ પ્રમાણે વાહનોના વેચાણમાં દર મહિને હવે 300નો વધારો થશે. આમ, ઈલેક્ટ્રિક વાહનના વેચાણની સંખ્યા 800એ પહોંચશે.
રાજકોટમાં 70 હજારથી લઈને રૂ.2 લાખ સુધીના વાહનો વધુ વેચાય છે. રાજકોટમાં ઈવીની સૌથી વધુ ખરીદી મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે થતી હોવાનું શો-રૂમના સંચાલકો જણાવી રહ્યા છે, જ્યારે રૂ.1 કરોડ સુધીની હોમ લોનની ગીરોખત પર 0.25 ટકા એટલે કે રૂ.25 હજારને બદલે રૂ.5 હજાર સ્ટેમ્પ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
જોકે તેનાથી રિઅલ એસ્ટેટ માર્કેટમાં સૌથી મોટા પ્રોજેક્ટને સીધો કે પ્રત્યક્ષ કોઇ મોટો ફાયદો મળશે નહિ. રાજકોટનું રિઅલ એસ્ટેટ માર્કેટ એ આખા સૌરાષ્ટ્રનું સૌથી મોટું સેન્ટર છે. અહીં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો રહેવા માટે, અભ્યાસ-નોકરી માટે આવી રહ્યા છે. જેને કારણે નાનાથી લઈને મોટા-મોટા પ્રોજેક્ટની ડિમાન્ડ રહે છે તેમ બિલ્ડર્સ જણાવી રહ્યા છે.
રાજકોટમાં અત્યારે ઇવીનું માર્કેટ રૂ.3 કરોડ 50 લાખનું છે
સ્ટેટ ગવર્નમેન્ટની સબસિડી બંધ થવાથી અને કેન્દ્ર સરકારની સબસિડીની રકમ 50 ટકા થઈ જતા છેલ્લા કેટલાક સમયથી રાજકોટના ઓટોમોબાઈલ માર્કેટમાં ઈ-વ્હિકલ્સના વેચાણનું પ્રમાણ ઘટી ગયું હતું. વાહન વેરાનો દર 6 ટકાથી 1 ટકા કરવામાં આવ્યો છે. તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે. કિંમત પ્રમાણે જોઇએ તો હવે ટૂવ્હિલરમાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર રૂ.5થી 6 સુધીની બચત થશે.