રાજકોટ એસ.ટી. વિભાગે 21 લાખની કમાણી કરી જૂના રેકોર્ડ તોડ્યા
એડવાન્સ બુકિંગમાં ભારે ઘસારો
- Advertisement -
કોરોનાના કેસ ઓછાં થતાં જનજીવન ફરી સામાન્ય થઈ ગયું છે. ઘરમાં પૂરાયેલાં રહેતા લોકો હવે નિશ્ચિંતતા સાથે ફરવા જઈ રહ્યા છે. પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સારી એવી કમાણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ એસ.ટી.બસ પોર્ટને હોળાષ્ટક ફળ્યું છે તે રીતે આવકમાં જંગી વધારો થયો છે અને સારી એવી કમાણી કરી છે.
છેલ્લાં બે વર્ષમાં કોઈપણ તહેવાર લોકો ઉજવી શક્યા નથી. ત્યારે કોરોનાની ત્રીજી લહેર બાદ લોકો હોળી-ધૂળેટી પર્વ ઉજવવા માટે લોકો ભારે ઉત્સાહમાં છે. જેને લઈને રાજકોટ એસ.ટી બસપોર્ટે 102 જેટલી એકસ્ટ્રા બસો દોડાવી છે અને રૂપિયા 21 લાખની જંગી કમાણી કરીને જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે. હોળી પર્વને લઈને લોકો સહપરિવાર સાથે ફરવા ઉપડ્યા છે તો, કોઈ વતનમાં પરિવાર સાથે હોળી ઉજવવા માટે જઈ રહ્યા છે. રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં ભારે ઘસારો જોવા મળ્યો છે. એડવાન્સ બુકિંગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.
હાલમાં દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ, મંડોર રૂટ પર એકસ્ટ્રા બસ મુકવામાં આવી છે. ખાસ કરીને બાંધકામ અને ખેતીકામ સાથે જોડાયેલા મજુર પરિવારો હોળી –ધુળેટીના તહેવારો પૂર્વે ઘરે પહોંચવા એકસ્ટ્રા બસ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે. તેમજ દ્વારકા, સાળંગપુર, સોમનાથ અને ગોધરા રૂટની બસોમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસની રજાનો લાભ મળતાં લોકોને મોજ પડી ગઈ છે.