ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વિદ્યાર્થીઓ માટે કમ્પ્યૂટર સિસ્ટમ મૂકવામાં આવી છે. આ સિસ્ટમ તો ઘણા સમયથી મૂકી છે, પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓ માત્ર યુનિવર્સિટીની પરીક્ષા સંબંધિત કામગીરી જ કરી શકતા હતા, પરંતુ હવે શિક્ષણને લગતી કોઇપણ કામગીરી માટે હવે વિદ્યાર્થીઓએ સાયબર કાફેમાં કે એજન્ટ પાસે નહીં જવું પડે. અહીં યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ, સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ સહિત શિક્ષણ સંબંધિત તમામ કામગીરી વિદ્યાર્થીઓ વિનામૂલ્યે કરી શકશે. છાત્રો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે જેનાથી તેમના સમય, શક્તિ અને નાણાં બચશે. આ પ્રકારના ફોર્મ ભરવા માટે એજન્ટો રૂ.100થી 500 સુધીની રકમ વસૂલે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડશે તો સ્ટાફ મદદ કરશે. યુનિવર્સિટી કેમ્પસમાં આશરે 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
- Advertisement -
આ ઉપરાંત જુદી જુદી કોલેજોમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ જુદા જુદા કામ અર્થે આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓના કામ ન અટકે, સરળતાથી કામ થઇ શકે અને કોઈ પ્રકારનો ખર્ચ ન કરવો પડે તેવી વ્યવસ્થા પરીક્ષા વિભાગમાં કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ જાતે જ પરીક્ષા, ડિગ્રી, સુધારા-વધારા સહિતના જુદા જુદા ઓનલાઈન ફોર્મ જાતે જ ભરી શકશે. વિદ્યાર્થીઓએ હવે સાયબર કાફેમાં નહીં જવું પડે તેવી વ્યસ્વસ્થા ઊભી કરવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓને આર્થિક બચત થશે.
બીજી બાજુ શિક્ષણ વિભાગની અન્ય કચેરીઓ જ્યાં અરજદારો માટે ઓનલાઈન ફોર્મ ભરવા કે અન્ય પ્રક્રિયા કરવા માટે કોઈ સુવિધા-વ્યવસ્થા નહીં હોવાને કારણે નાછૂટકે તેમણે એજન્ટના સહારે રહેવું પડે છે, વધારાના પૈસા ચૂકવવા પડે છે. તેવી તમામ કામગીરી હવે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના આ સેન્ટર પરથી કરી શકશે.
પરીક્ષા ફોર્મ ભરવાના હોય, શિષ્યવૃત્તિના ફોર્મ, ડિગ્રી કે માર્કશીટને લગતી કોઈ કામગીરી હોય તેવી તમામ કામગીરી જે ઓનલાઈન કરવાની હોય તે હવે વિનામૂલ્યે અહીંથી કરી શકશે. આ સુવિધા શરૂ કરવાથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વધારાના આર્થિક બોજો નહીં આવે અને જે સમય બચી જશે તેનો પણ ઉપયોગ થશે. નોંધનીય છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોવાથી તેઓના ફોર્મ નિયમિત ભરવાના હોય છે.