નશામાં ધૂત ડ્રાઈવરનું રટણ કહ્યું પેલું આઉટ સોર્સિંગ આવે એમાં છું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાંથી દારૂની બદી દૂર કરવા માટે પોલીસ અને સરકાર અનેક પ્રયાસો હાથ ધરી રહી છે પરંતુ રાજકોટમાં તો ઉલટી ગંગા જ વહી રહી છે. ગત સાંજે શહેરના જામનગર રોડ પર ક્રાઈમ બ્રાન્ચની ઓફીસ નજીક એક પોલીસ વાને અન્ય કારને ઠોકર મારતા લોકોના ટોળા ભેગા થયા હતા. જ્યારે પોલીસ વાન ચલાવતો વ્યક્તિ પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા રાજકોટ પોલીસ સ્ટાફ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી સાંજના સમયે રાજકોટ જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે રાજકોટ સિટી પોલીસની વાને એક કારને ધડાકાભેર ઠોકર મારી હતી. પોલીસ વાન સાંઢીયા પુલથી માધાપર ચોક તરફ જતી હતી જ્યારે અન્ય કાર માધાપર ચોકથી રેલનગર તરફ જતી હતી ત્યારે બન્ને કાર અથડાઈ હતી. કારચાલક જીજ્ઞેશ માંડવિયાએ તરત જ નીચે ઉતરીને રાજકોટ સિટી પોલીસની વાનને રોકી ગાડીચાલકને રોક્યા હતા ત્યારે માલૂમ પડ્યું કે, પોલીસ વાન ડ્રાઈવર તો ફુલ પીધેલી હાલતમાં છે જેની જાણ થતા તરત જ ‘ખાસ-ખબર’ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ‘ખાસ-ખબર’ દ્વારા જ્યારે પોલીસ વાનચાલકને તેનું નામ અને ક્યાં ડિપાર્ટમેન્ટમાં છો તેનું પૂછતા કોઈ જવાબ મળ્યો ન હતો. વાનચાલક પીધેલી હાલતમાં હોવાથી ઉભો પણ રહી શકતો ન હતો.
શરમજનક! રાજકોટ સિટી પોલીસની વાનનો ડ્રાઈવર પીધેલી હાલતમાં જોવા મળ્યો
‘ખાસ-ખબર’ની ટીમે તરત જ કારચાલક જીજ્ઞેશ માંડવિયાનો સંપર્ક કરી તમામ વિગતો જાણી હતી. કારચાલકે જણાવ્યું હતું કે, ઝડપભેર આવતી પોલીસવાને અચાનક રોંગસાઈડમાં આવીને અડાડી દીધી હતી. જ્યારે તેમને પૂછતા પીધેલી હાલતમાં હોવાથી કંઈ બોલી શકતા પણ ન હતા. વાનચાલક રસ્તા પર લડથડિયા ખાઈ રહ્યા હતા અને નશામાં ધૂત પોલીસ સ્ટાફમાં કામ કરતા ડ્રાઈવરે કહ્યું હતું કે, પેલું આઉટ સોર્સિંગ આવે એમાં છું. ત્યારબાદ થોડીવારમાં પોલીસની અન્ય વાન અને પોલીસ કર્મચારીઓ આવીને પીધેલા પોલીસ વાનના ડ્રાઈવરને ત્યાંથી લઈ ગયા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
- Advertisement -
નશામાં ધૂત પોલીસવાનનો ડ્રાઈવર આઉટ સોર્સિંગથી કામ કરે છે
‘ખાસ-ખબર’ની ટીમે પોલીસ વાન ચાલકને નામ પૂછતા તેણે કંઈ વિશેષ જણાવ્યું નહીં પરંતુ આઉટ સોર્સિંગથી કામ કરૂં છું તેવું જણાવ્યું હતું. અને એવું પણ કહ્યું હતું કે, મેં દારૂ નથી પીધો. જ્યારે પોલીસ વાન ડ્રાઈવર ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હતો એ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
પોલીસ શું પગલાં લેશે?
ગુજરાતમાં દારૂબંધી હોવાછતા અવારનવાર દારૂડિયા અને દારૂ બન્ને મળી જાય છે ત્યારે ખુદ પોલીસની વાનનો ડ્રાઈવર જ દારૂ પીને લથડિયા મારતો હોય એ સમયે ગુજરાત પોલીસ અને સરકાર પર અનેક પ્રશ્ન ઉભા થાય તે સ્વાભાવિક છે. હવે પીધેલી હાલતમાં પોલીસ વાનનો અન્ય એક કાર સાથે અકસ્માત કરનારા ડ્રાઈવર પર પોલીસ વિભાગ શું પગલાં લેશે એ જોવું રહ્યું.
પોલીસવાનનો ડ્રાઈવર જ નશામાં ચકચૂર
GJ18LB5751ના નંબર પ્લેટવાળી રાજકોટ સિટી પોલીસની વાને અન્ય એક કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જેનાથી રાજકોટ પોલીસ પર અનેક સવાલ ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ વાનચાલકનું નામ કાળુભાઈ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ વાન કઈ પોલીસ સ્ટેશનની છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
પોલીસ વાનના પીધેલાં ડ્રાઈવરનો વિડીયો જોવા અહીં ક્લિક કરો