શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા એક યાદીમાં જણાવે છે કે, સરકાર દ્વારા જુદીજુદી રીતે દિવ્યાંગ રહેલા ભાઈ-બહેનો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં રહેલી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ તેને અનુસરીને જુદીજુદી યોજનાઓ અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનોને તેનો લાભ આપવામાં આવી રહયો છે. જેમ કે, આવાસ યોજનાઓમાં ૩ ટકા અનામત રાખવામાં આવેલ છે. સ્વરોજગાર માટે લોનની યોજના પણ અમલમાં છે. તેજ રીતે દિવ્યાંગ નાગરિકોને મહાનગરપાલિકાની અલગ અલગ કચેરીઓમાં કામ માટે ઓફિસે આવવાનું થાય છે ત્યારે તેઓને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે.
આ મુશ્કેલીને નિવારવા માટે કોર્પોરેશનના જુદા જુદા સંકલનોમાં મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા સાથે પોતાનો વિચાર રજુ કરેલ. જે આવકારતા સુરેન્દ્રસિંહ વાળાએ મ્યુનિ. કમિશનર અમિત અરોરાને એક પત્ર પાઠવી મનપાનાં જુદાજુદા સંકુલોમાં દિવ્યાંગ નાગરિકો માટે વ્હીલચેર મુકાવવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાને મહાનગરપાલિકાએ આ અંગે સંવેદનશીલ નિર્ણય ગ્રાહ્ય રાખી પ્રદ્યુમ્ન પાર્કમાં ૫, પૂર્વ ઝોન ઓફિસમાં ૬, સેન્ટ્રલ ઝોન ઓફિસમાં ૪, સેક્રેટરી શાખા (પદાધિકારીઓની વિંગ)માં ૧, વિવિધ ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ માટે ૮, સેન્ટ્રલ ઝોન સિટી સિવિક સેન્ટર માટે ૧, અમિન માર્ગ સિટી સિવિક સેન્ટર માટે ૧, કૃષ્ણનગર સિટી સિવિક સેન્ટર માટે ૧, સેન્ટ્રલ ઝોન કચેરીમાં બંને સાઈડ લીફ્ટ પાસે એક એક, લાઈબ્રેરી માટે ૧ અને નાના મવા મલ્ટી એક્ટીવીટી સેન્ટર માટે ૧ તથા આરોગ્ય કેન્દ્રમાં ૧૩ એમ કુલ ૪૪ વ્હીલચેર મુકવામાં આવેલ છે.